આ નવજાતને દાટતા જીવ કેમ હાલ્યો હશે !!! હિંમતનગરમાં જમીનમાંથી નીકળી ફૂલ જેવી બાળકી

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ચકચારી ઘટના બની હતી જેમાં એક નવજાત બાળકીને દાટી દેવામાં આવી હતી. પરંતુ કહેવત છે ને કે રામ રાખે તેણે કોણ ચાખે એમ બાળકીને બચાવી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામની છે. જ્યાં ગાંભોઈ UGCVL ઓફિસની બાજુમાં એક નવજાત બાળકનો રડવાનો અવાજ આવતો હતો. જેથી ત્યાં હાજર શ્રમિકોએ રડવાનો અવાજ આવતા તેઓએ સ્થાનિકોને જાણ કરી.

નવજાત બાળકીને ખાડામાં દાટી દેવામાં આવી હતી. જયારે જમીનની અંદરથી રડવાનો અવાજ આવવા લાગ્યો ત્યારે જમીન ખોદતા બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી. બાળકીને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાઈ. આ મામલે ગાંભોઈ પોલીસને પણ જાણ કરાઈ. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે પ્રાથમિક તપાસ કર્યા બાદ આશંકા છે કે બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં નથી આવી અને જન્મ બાદ તુરંત તેને જમીનમાં દાટી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.