વિરનગરમાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ

જસદણ તાલુકાના વિરનગર ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પરિણીતાના પિતા તુરંત વિરનગર દોડી ગયા હતા. બનાવના કલાકો વીત્યા છતાં પણ સાસરિયાઓએ પોલીસ કે 108માં જાણ ન કરતા પિતાએ પોતાની પુત્રીની હત્યા થયાનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં ખસેડ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના વિરનગર ગામે રહેતી પ્રીતિબેન દિલીપભાઈ દાફડા નામની 22 વર્ષીય પરિણીતાએ પોતાના સાસરિયામા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

છ દિવસ પહેલા થયેલી માથાકૂટમાં પરિણીતાને પિયર ના જવા દીધી: ઘટના અંગે સાસરિયાઓએ પોલીસ કે 108માં જાણ પણ કરી ન હોવાથી શંકાએ જોર પકડ્યું

આ અંગે રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતા મૃતક પ્રીતિબેનના પિતા ગોરધનભાઇને જાણ થતાં તેઓ તુરંત વિરનગર દોડી ગયા હતા. જ્યાં પહોંચતા તેઓએ જોઉં તો તેમની પુત્રી પ્રીતિ સેટી પર સુતેલી જોવા મળી હતી અને સાસરિયાઓએ પોલીસ કે 108માં જાણ પણ કરી ન હતી. જેથી ગોરધનભાઇ 108માં જાણ કરતા ઈએનટી દ્વારા પ્રિતિબેનનું 8થી 10 કલાક પહેલા મોત થયાનું જણાવ્યું હતું.

જેથી આ અંગે પ્રીતિબેનના પિતા ગોરધનભાઇ સાસરિયાઓ પર હત્યાના આક્ષેપ કર્યા હતા. જેથી પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો. જ્યાં ગોરધનભાઇને જણાવ્યા મુજબ આજથી છ દિવસ પહેલા પ્રિતિબેનના સસરા જગદીશ મૂળજીનો ફોન આવ્યો હતો અને માથાકૂટ કરી પૈસાની માંગણી કરી હતી.

તે દરમિયાન પ્રીતિ પાસેથી સસરાએ મોબાઈલ લઈ લેવાનુ કહેતા પિતાએ પોતાની પુત્રીને પણ સાથે લઈ જવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ જગદીશ મૂળજી અને પતિ દિલીપે સહિતનાઓએ અત્યારે નહિ પછી લઈ જજો તેવું કહ્યું હતું. ત્યાર બાદ આજરોજ છ દિવસ બાદ તેમની પુત્રીનું મોત નીપજતાં પિતાએ પોલીસ સમક્ષ પોતાની પુત્રીની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા છે.

કણકોટમાં સરપંચની વાડીએ ઝેરી દવા પી શ્રમીકે જીવન ટૂંકાવ્યું

કણકોટમાં સરપંચ શૈલેષભાઇની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો કમલેશ અમરુંભાઈ અનારે નામના 22 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ કમલેશે બે દિવસ પહેલા ઝેરી દવા પી પોતાના ભત્રીજાને જાણ કરી હતી. ત્યાર બાદ તેની સગર્ભા પત્ની અનિતા તેને ગોતવા નીકળી હતી.

પત્ની અનિતાને કમલેશ દવા પીધેલી હાલતમાં વાડીમાંથી મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું આજરોજ સવારે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

રેલનગરમાં મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રેલનગરમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા હેતલબેન પરેશભાઈ પંડિત નામના 39 વર્ષના મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. જેમાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ હેતલબેન ઘર કંકાસ અથવા તેમને પેટના દુખાવાના કારણે આવું પગલું ભર્યાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.