Abtak Media Google News
  • રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, મહેસાણા, વડોદરા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે લડવૈયા નકકી કરવા કરાશે મંથન

કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની આજે બેઠક મળશે જેમાં ગુજરાતની બાકી રહેલી લોકસભાની સાત બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવશે. આજે મોડી રાતે અથવા આવતીકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની વધુ એક યાદી જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

ઇન્ડિયા ગઠબંધનના કારણે કોંગ્રેસ દ્વારા ગુજરાતની લોકસભાની ર6 બેઠકો પૈકી ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી છે આપ દ્વારા

અહી પોતાના ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં ગુજરાતની આઠ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જયારે બીજી યાદીમાં વધુ 11 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જો કે અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચુંટણી લડવાનો ઇન્કાર કરતાં હવે આ બેઠક પર પણ નવા ઉમેદવારની શોધ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, મહેસાણા, વડોદરા અને નવસારી બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. રાજકોટ બેઠક માટે હિતેશભાઇ વોરા અને ઇન્દ્રનીલ રાજયગુરુના નામની ચર્ચા થઇ રહી છે. જુનાગઢ બેઠક માટે હિરાભાઇ જોટવા અને પુજીભાઇ વંશનું નામ ચર્ચામાં છે. જયારે સુરેન્દ્રનગર બેઠક માટે ઋત્વિક મકવાણાનું નામ હાલ સૌથી આગળ ચાલી રહ્યું છે.

આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકાજુન ખડગેની અઘ્યક્ષતામાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમીટીની બેઠક મળશે. જેમાં અલગ અલગ રાજયોની લોકસભાની બેઠકના ઉમેદવારો નકકી કરવા મનો મંથન કરવામાં આવશે. ગુજરાતની જે સાત બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે. તે સાતેય બેઠકો માટે ઉમેદવારો નકકી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.