Abtak Media Google News

વર્ષ 1947માં જ્યારે બીજું વિશ્ર્વયુદ્ધ પુરું થયું ત્યારે પેલેસ્ટાઈન વિસ્તાર બ્રિટિશરોના કબ્જામાં હતો. બીજી તરફ યહુદીઓ યુરોપથી હિજરત કરી રહ્યા હતા. એટલે એમને વસાવવા આ ભૂમિ આપી દેવાનું નક્કી થયું. રાષ્ટ્રસંઘમાં તેનું મતદાન થયું જેમાં ઈઝરાયેલની સ્થાપના ઉપરાંત જેરુસલેમ શહેર આરબ-ઈઝરાયેલીઓ બન્ને પાસે રહે એવો ચૂકાદો આવ્યો હતો. યહુદીઓએ આ ચૂકાદો સ્વિકારી લીધો, આરબોએ સ્વિકાર્યો નહોતો.

યહુદીઓ પોતાને મળેલી ભૂમિ પર ઈઝરાયેલ દેશ બનાવી વસવા લાગ્યા અને ત્યારથી આરબો સાથે તેમને સંઘર્ષ શરૂ થયો. યહુદીઓ ભેગા મળીને આરબોને સાવ તો હાંકી કાઢી ન શકયા પણ આરબોની વસતી મર્યાદિત કરી દેવાઈ. એ મર્યાદિત વસતી આજે વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ઈસ્ટ જેરુસલેમ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. આ વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક દેશો ‘ઓક્યુપાઈડ પેલેસ્ટાઈન ટેરેટરી’ પણ કહે છે. ત્યાં જ હમાસ અને હિઝબુલ્લા સહિતના સંગઠનો આવેલા છે. હવે અત્યારે ઉદ્ભવેલી સમસ્યાનું કારણ સાવ નવુ છે. 6 મેના દિવસે ઈઝરાયેલની કોર્ટ એ ફેંસલો સંભળાવવાની હતી કે ત્યાં પેલેસ્ટાઈન વાસીઓ રહી શકે કે નહીં. પેલેસ્ટાઈનવાસીઓ નહીં જ રહી શકે એમ માનીને ચૂકાદો આવે એ પહેલા વિરોધ પ્રદર્શન શરૂ થયું એટલે ઈઝરાયેલે એક મહિનાની મદ્ત પાડી દીધી. પણ ત્યાં સુધીમાં વિરોધ તો ચાલુ થઈ જ ગયો હતો જે હવે મોટો બની ચૂક્યો છે.

ઇઝરાયલ સમગ્ર જેરૂસલેમને તેમનું પાટનગર ગણાવે છે, જ્યારે પેલેસ્ટાઇનીયનો પૂર્વ જેરૂસલેમને ભવિષ્યના પેલેસ્ટાઇનીયન રાજ્યનું પાટનગર ગણાવે છે. ઈઝરાયલી પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં મિત્ર દેશોનો આભાર માન્યો પરંતુ ચોંકાવનારી વાત એ છે તેમા ભારતનો નામનો સમાવેશ નથી. નેતન્યાહુએ તમામ મિત્ર દેશોના રાષ્ટ્રધ્વજ પણ ટ્વિટમાં સામેલ કર્યાં હતા, તેમાં પણ ભારતનો ઝંડો ન હતો. અમેરિકા જેવા અમુક જ દેશો સમગ્ર દેશ પર ઇઝરાયલના દાવાને સ્વીકારે છે.

હાલમાં રચાયેલ શાંતિ માટેની યોજના, જે અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા, તેને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ‘ડીલ ઑફ ધ સેન્ચુરી’ ગણાવી હતી. પરંતુ પેલેસ્ટાઇનો દ્વારા તેને એકતરફી ગણાવીને તેનો અસ્વીકાર કર્યો હતો.

એક બાજુ ઈઝરાયલ ભારતના મિત્ર હોવાનો સતત દાવો કરી રહ્યો છે તો બીજી તરફ આ પ્રસંગે ઈઝરાયલ ભારતને શુ ભૂલી ગયો?  આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઈઝરાયલ પર ભારે પસ્તાળ પડી હતી. પરંતુ ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ ભારતને એક સારા મિત્ર દેશોના લીસ્ટમા મુકેલ જ છે. પણ નેતન્યાહુ ચાલી રહેલ બાબતને થોડા અલગ દ્રષ્ટિકોણથી જોવે છે અને વિચારે છે. ભારતમાં આ બાબતે મહદ્અંશે મત-મંતાતર છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જેરૂસલેમને પાટનગર બનાવવાની અમેરિકાની જાહેરાતને નકારવાની તરફેણમાં ભારત સહિત 128 દેશોએ મતદાન કર્યુ હતુ. આથી નેતન્યાહુ આ બાબતમાં પોતાની તરફેણમાં રહેલા રાષ્ટ્રો સાથે ભુતકાળ, વર્તમાન અને ભવિષ્યલક્ષી તમામ પરિસ્થિતિ અંગેનો વિચાર કરેલ છે. એટલે આનો અર્થ એવો જરા પણ લઇ ના શકાય કે ઈઝરાયલની ભારત સાથેની મિત્રતા કે સંબંધો આગામી સમયમા કોઇ પ્રકારનો વળાંક જોવા મળશે. જો કે, ઈઝરાયલ તરફથી હાલ કોઇ ટિપ્પણી કરાઇ નથી.આ સાથે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ પર ભારતે મૌન તોડતા બંને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

UNSCમાં તિરુમૂર્તિએ કહ્યું કે ભારત પેલેસ્ટાઈનની યોગ્ય માંગણીઓનું સમર્થન કરે છે અને ટુ નેશન થીયરી હેઠળ આ મામલાના ઉકેલ માટે વચનબદ્ધ છે. વધારમાં તેઓએ જણાવ્યુ કે, ઇઝરાયેલનું જેરૂસેલમ ભારત માટે ખાસ છે, કારણ કે અહીં લાખો ભારતીયો રહે છે. જો પ્રત્યક્ષ રીતે વાતચીત કરવામાં આવે તો બંને પક્ષો વચ્ચે અનુકૂળ વાતાવરણનુ સર્જન થઇ શકે તેમ છે.

વર્ષ 2018માં બેન્જામિન નેતન્યાહૂ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે અમદાવાદમાં પીએમ મોદી સાથે 8 કિ.મી. જેટલો લાંબો રોડ શો પણ કર્યો હતો. વર્ષ 2018માં ભારત અને ઈઝરાયેલ વચ્ચે 9 કરાર પર હસ્તાક્ષર થયા હતા. રક્ષા ક્ષેત્ર અને અંતરિક્ષ કાર્યક્રમમાં બંને દેશો વચ્ચે કરાર થયા છે.

પીએમ મોદીએ નેતન્યાહૂને નવા વર્ષમાં પહેલા વિશેષ મહેમાન કહ્યા હતા. આ સાથે ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદી વિશે કહેલુ કે, તેઓ એક ક્રાંતિકારી નેતા છે અને પોતાના ભારતમાં આગમનને એક ઐતિહાસિક પ્રવાસ ગણાવ્યો હતો.

બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા છે. ભારતીય મીડિયા સામે નેતન્યાહૂએ પણ જણાવ્યું હતું કે, જેરુસલેમ વિરુદ્ધ ભારતના મતદાનથી તેમને નિરાશા થઈ હતી. આથી, બન્ને દેશો વચ્ચે કોઇ અન્ય કારણોસર સંબંધો પર અસર નહી પડે કારણકે બેન્જામિન નેતન્યાહૂએ ભારતની મુલાકાત સમયે ભારતીય મિડીયા સમક્ષ સ્વીકાર્યુ હતું કે,  રાષ્ટ્રો વચ્ચે અમુક બાબતોમાં નિરાશા હોય એ સ્વાભાવિક છે. આજની સ્થિતિ અને નિષ્ણાતોના તારણો પરથી એવુ ચોક્કસથી કહી શકાય કે, ભારતના ઈઝરાયેલ સાથેના સંબંધોનુ એક ઉતમ ભવિષ્ય હશે.

(સંકલન: ઉદય લાખાણી)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.