Abtak Media Google News

SGVP પરિસરના શાબ્દિક દર્શન

ભગવાન શ્રી સ્વામિનારાયણના સદવિદ્યા પ્રવર્તન અને સર્વ જીવહિતાવહ સંદેશાઓને સમગ્ર વિશ્ર્વમાં પ્રસરાવવા માટે ગુરુકુલના આદ્ય સ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રીશ્ર્ધર્મજીવનદાસજી સ્વામીએ જે અર્વાચીન રૂપમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાની પ્રતિષ્ઠા કરી, તેને 21 મી સદીમાં તેમના અંતેવાસી પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી વૈશ્વિક રીતે સાકારિત કરી રહ્યા છે. અને સાથે સાથે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણીહરિસ્વરુપદાસજી સ્વામી વગેરે સંતો પણ આધ્યાત્મિક પોષણ પુરુ પાડી રહ્યા છે.

SGVP સંસ્થાનમાં મુખ્ય દ્વારથી પ્રવેશ કરતા જ ભારતીય સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ નિર્માણ પામેલ વિશાળ પરિસરમાં ગુલાબી રંગના ભવનો અને લીલીછમ વનરાજીથી ભરપુર વૃક્ષાચ્છાદિત બાગ બગીચાઓ તેમજ રમત-ગમતના વિશાળ મેદાનોના દિવ્ય અને ભવ્ય દર્શન થાય છે. સમગ્ર પરિસરની રચના જાણે કે ભગવાનનો રથ હોય એ રીતે કરવામાં આવેલી છે. સ્વયં ભગવાન માણકી ઘોડી ઉપર બેસીને આ દિવ્ય રથને ચલાવી રહ્યા છે. બંન્ને બાજુ સદવિદ્યા ભવન (international school), ધર્મજીવન  હોસ્ટેલ નામના બે ભવનો આવેલા છે.

સ્થાપત્યના નિયમ પ્રમાણે ભૂમિનો મધ્યભાગ બ્રહ્માજીનું સ્થાન ગણાય છે. આ સ્થાનમાં વિવિધ રમત-ગમતના વિશાળ મેદાનોની રચના દરેક મુલાકાતીઓેને આકર્ષી રહે છે. ખેલકૂદ અને રમત-ગમતના વિવિધ મેદાનો કેળવણી સાથે શારીરિક-માનસિક તંદુરસ્તીના કેન્દ્રો સમાન છે. માણેકવર્ણી માણકીના અસવાર ભગવાન સ્વામિનારાયણની ચારેબાજુ વિવિધ પુષ્પોના ઉદ્યાનોમાં ભગવાનના વિવિધ સ્વરૂપો જેવા કે ભગવાન રાધાકૃષ્ણ, ભગવાન સીતારામ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ઉમામહેશ્વરના રમણીય દર્શન કરનારને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે.

વિશ્ર્વંભરમ એટલે પ્રસાદ અને આતિથ્યનો આસ્વાદ કરાવતું ભોજનલય અને અતિથિગૃહનું મનોરમ્ય ભવન, જેમાં એક સાથે 1000 ઉપરાંત વિદ્યાર્થીઓ એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. સમગ્ર ગુરુકુલ પરિસરમાં વિવિધ વૃક્ષો લીમડા, વડલા, પીપળા, આમળા, ચંદન વગેરે સહિત અનેક ઔષધીય ગુણોથી ભરપુર વનવેલીઓ તેમજ ગુલાબ, મોગરા, ગલગોટા, ચંપાના પુષ્પો અને ચીકુ, આમ્રવૃ્ક્ષોથી લચી રહેલા ઉદ્યાનો સમગ્ર કેમ્પસને સુગંધીત કરે છે.

અહીં વેદશાળા, યજ્ઞશાળા, સંતઆશ્રમ, સંસ્કૃત પાઠશાળાની ચારે તરફ દરરોજ નૃત્ય કરતા મયુરોના દર્શન થાય છે. અહીં કામધેનું ગૌશાળામાં અસલ ગીર ઓલાદની 200 ઉપરાંત ગાયોના દર્શન થાય છે. SGVPનું આધ્યાત્મિક કેન્દ્ર એટલે હ્રદય કુટિર, જ્યાં અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામીનું સમાધિ સ્થાન છે. અહીં ભક્તો દર્શન વંદન પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે. સંત આશ્રમ સહજાનંદમાં સંતોના નિવાસ સાથે બાલસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન મનોહારી છે. જ્યાં દરરોજ સત્સંગ કથા વાર્તા સાથે સવાર-સાંજની પ્રાર્થનાઓ અને સાધનામય જીવન સાથે સંતો અને ઋષિકુમારો સંસ્કૃત શાસ્ત્રોના અભ્યાસમાં વ્યસ્ત રહે છે.

સંત આશ્રમ સહજાનંદ ભવનની આગળ લીલીછમ વનરાજી વચ્ચે આવેલ ધ્યાન ઉદ્યાનમાં શ્રી નિલકંઠ વર્ણીરાજ, દેવાધિદેવ શ્રી મહાદેવજી, ભગવાન બુદ્ધ અને હનુમાનજી મહારાજ ધ્યાન મુદ્રામાં સૌને દર્શન આપે છે. આ સંત આશ્રમની ચારે બાજુ આવેલ સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર નામના નાના-નાના ચાર ઉદ્યાનોમાં સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા ભગવાન કપિલજી, યોગ શાસ્ત્રના પ્રણેતા પતંજલિ મુનિ, વેદાન્ત શાસ્ત્રના પ્રણેતા ભગવાન વેદ વ્યાસજી અને પંચરાત્ર શાસ્ત્રના ઉદગાતા નારદજીના દર્શન સૌને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રેરણા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.