Abtak Media Google News

ખેડૂત આંદોલન હવે રાજકારણમાં નવાજુની લાવશે?

વિપક્ષોએ કૃષિ કાયદો રદ કરવાની જાહેરાતથી જીત તો મનાવી પણ હવે શું સ્ટેન્ડ લેશે તે અંગે ગૂંચવણ

અબતક, નવી દિલ્હી : ખેડૂત આંદોલન હવે રાજકારણમાં નવાજૂની લઈ આવે તેવી શકયતા સેવાઇ રહી છે. કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત થયા બાદ વિપક્ષોએ જીત પણ મનાવી હતી. ત્યારે હવે વિપક્ષ શુ સ્ટેન્ડ લેશે તે અંગે ગૂંચવણ જોવા મળી રહી છે. આ બિલ રદ કરવામાં મોદી સંસદમાં વિપક્ષને ભીડવે તેવી પણ સંભાવના દર્શાઇ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કર્યા પછી સરકાર આ દિશામાં વધુ એક પગલું ભરશે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદા રદ કરવા સંબંધી બિલ મંજૂર કરાય તેવી શક્યતા છે. બીજીબાજુ દિલ્હીની સરહદો પર એક વર્ષ જેટલા સમયથી દેખાવો કરી રહેલા ખેડૂત સંગઠનોએ બાકી માગો અંગે વડાપ્રધાન મોદીને પત્ર લખવાનું પગલું લીધું છે.

વડાપ્રધાને જાહેરાત કર્યા પછી હવે કેન્દ્રીય કેબિનેટમાં આ સંદર્ભમાં એક બિલ રજૂ કરાશે, જેને કેબિનેટની મંજૂરી મળ્યા પછી ૨૯મીથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરી કૃષિ કાયદાઓને રદ કરવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરાશે. બિલ રદ કરવાની પ્રક્રિયા જોઈએ તો સૌથી પહેલાં સરકાર સંસદના બંને ગૃહોમાં આ વિશે બિલ રજૂ કરશે. સંસદના બંને ગૃહોમાં આ બિલ બહુમતીથી પસાર કરવામાં આવશે.

બિલ પસાર થયા પછી રાષ્ટ્રપતિ પાસે જશે, રાષ્ટ્રપતિ તેની મંજૂરી આપશે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી સરકાર નોટિફિકેશન જાહેર કરશે. હવે આ બિલ રદ કરવામાં નરેન્દ્ર મોદી વિપક્ષને ભીડવે તેવી પૂરેપૂરી શકયતા જણાઈ રહી છે. એક તરફ કાયદો રદ થતા વિપક્ષોએ ઉજવણી કરી હતી. હવે વિપક્ષોનું સ્ટેન્ડ શુ રહેશે તે જોવું રહ્યું. બીજી બાજુ ખેડૂતોએ ઉત્તરપ્રદેશમાં મહાપંચાયત યોજતા ઉત્તરપ્રદેશમાં રાજકારણ ગરમાયુ છે.

આંદોલન પૂરું નહિ થાય, હજુ ઘણા પ્રશ્નો બાકી છે : રાકેશ ટિકૈત

લખનઉમા ખેડૂતોની મહાપંચાયત સંપન્ન : સંગઠને વિવિધ માંગણીઓ મૂકી

આજે લખનઉમાં ખેડૂતોની મહાપંચાયત મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કર્યા બાદ આ પ્રથમ મહાપંચાયત  હતી. લખનઉના ઇકો ગાર્ડનમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પણ હાજર રહ્યા હતા. તેઓએ કહ્યું કે ત્રણેય કૃષિ કાયદા સિવાય પણ ખેડૂતોના હજુ પણ અન્ય ઘણા મુદ્દાઓ છે.

આંદોલનમાં શહીદ થયા છે તે ખેડૂતોનું શું? શહીદ ખેડૂતો માટે સ્મારક બનાવવું જોઈએ. એમએસપી ગેરંટી એક્ટ બનાવવો જોઈએ અને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને બરતરફ કરવા જોઈએ. સરકાર સાથે ટેબલ પર બેસીને વાતચીત કર્યા બાદ જ તેઓ ઘરે પરત ફરશે.

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે એક વર્ષમાં જેટલી પણ ઘટનાઓ બની તે બાબતે સરકાર વાત કરે અને એક સ્પષ્ટ પત્ર બહાર પાડે. તેઓ આજે તેઓ દેશની સંપત્તિ, મંડીઓની જમીન વેચી રહ્યા છે, તે બાબતે કોણ વાત કરશે? ત્રણ કાયદા સિવાય બીજા પણ ઘણા પ્રશ્નો છે. આ આંદોલન એક વર્ષથી ચાલી રહ્યું છે. આ આંદોલન માત્ર ત્રણ કૃષિ કાયદાઓ પર જ નથી પરંતુ એમએસપી અને વીજળી સુધારા બિલ પર પણ છે. જ્યાં સુધી મંત્રણા નહીં થાય ત્યાં સુધી ખેડૂત પરત હટશે નહિ. આંદોલનમાં અત્યાર સુધીમાં નાના-મોટા 200થી વધુ ખેડૂત સંગઠનો સામેલ થશે. બધા જ સંગઠન સંયુક્ત કિસાન મોરચા હેઠળ એક મંચ પર આવી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.