Abtak Media Google News

સુપ્રીમમાં એમેઝોનની મોટી જીત: ફયુચર ગ્રુપ સાથેનો રૂ. ર4,731 કરોડનો રીલાયન્સનો સોદો અટકયો

સિંગાપોરની ઇમરજન્સી આર્બિરેટરનો કરાર અટકાવવાનો નિર્ણય યોગ્ય  સુપ્રીમ કોર્ટ !!

આજના આધુનિક યુગમાં મોટાભાગની સેવાઓ ડિજિટલ બનતા રિટેલ માર્કેટ વધુ ને વધુ વિસ્તરીત થઈ રહ્યું છે. ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતા રિટેલ માર્કેટ એક વિશાળ માર્કેટ બન્યું છે. સમય અને ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળી લાભ ખાટવા ઈ-કોમર્સ અને રિટેલ કંપનીઓ મેદાને ઉતરી છે. જે કારણસર. હરીફાઈ વધુ તીવ્ર બની છે. એમાં પણ દેશની ટોચની કંપની રિલાયન્સ હવે રિટેલ ક્ષેત્રે હરણફાળ ભરવા કમર કસી રહી છે. પણ આજરોજ રિલાયન્સને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ફ્યુચર ગ્રૂપ સાથેના રિલાયન્સના સોદાનો વિરોધ કરતી એમેઝોનની સુપ્રીમમાં મોટી જીત થઈ છે.

ટોચની કંપની ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ વચ્ચેના કરારને લઈ એમેઝોન દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જણાવી દઈએ કે રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે હિસ્સો ખરીદવાને લઈને રૂપિયા 24,731 કરોડનો સોદો થયો હતો. જેની સામે એમેઝોને વાંધો ઉઠાવી સિંગાપોર સ્થિત ઈમરજન્સી આર્બિટ્રેશન સમક્ષ ફરિયાદ કરી હતી. આ ઈમરજન્સી આર્બિટ્રેશન દ્વારા ફ્યુચર અને રિલાયન્સના ઈલું-ઈલું પર રોક લગાવી દેવાઈ હતી. જો કે ત્યારબાદ ફ્યુચર અને રિલાયન્સે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી ઈએના નિર્ણયને પડકાર્યો હતો. જેની સામે દિલ્હી હાઇકોર્ટે એ તારણ આપી રિલાયન્સ અને ફ્યુચરના સોદાને આગળ વધારવાની મંજૂરી આપી દીધી કે સિંગાપોરની ઈએનો નિર્ણય ભારતમાં લાગુ થઈ શકે નહીં. જો કે દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણયને એમેઝોને સુપ્રીમમાં પડકારી બંને કંપનીઓના કરારને રોકવાની માંગ કરી.

એમેઝોનની આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજરોજ સુનાવણી હાથ છે. જેમાં એમેઝોનની મોટી જીત થઈ છે. અંતે સુપ્રીમ કોર્ટે પણ  રિલાયન્સ-ફ્યુચરના ઈલું-ઈલું પર કાતર ફેરવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી મુકેશ અંબાણી અને ફ્યુચર ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સિંગાપોર સ્થિત ઈમરજન્સી આર્બિટ્રેશનનો નિર્ણય માન્ય રાખી રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચેના સોદા પર રોક લગાવી દીધી છે.

જણાવી દઈએ કે સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટે ફ્યુચર રિટેલ લિમિટેડ અને રિલાયન્સ રિટેલનું મર્જર અટકાવી દીધું હતું જેના પરિણામે એવા પ્રશ્નો ઉઠયા હતા શુ સિંગાપોર સ્થિતની આ   આર્બિટ્રેશન કોર્ટ ફ્યુચર રિટેલ લિમિટેડ અને રિલાયન્સ રિટેલનું મર્જર અટકાવી ભારતમાં તેનો અમલ કરાવી શેક ?? પરંતુ આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર. એફ. નરીમાન અને બી. આર. ગવઇએ કહ્યું કે સિંગાપોરની ઇમરજન્સી આર્બિટ્રેટર કોર્ટનો નિર્ણય દેશમાં લાગુ થઈ શકે છે કેમ કે સિંગાપોરની આર્બિટ્રેશનકોર્ટનો નિર્ણય દેશના આર્બિટ્રેશન કાયદાની કલમ 17 (1) અનુસાર છે અને કલમ 17 (2) હેઠળ દેશમાં તે લાગુ છે.

જણાવી દઈએ કે 29 જુલાઇએ સુપ્રીમ કોર્ટે ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) અને રિલાયન્સ રિટેલના કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું  કે ઓક્ટોબરમાં સિંગાપોર આર્બિટ્રેટર દ્વારા એમેઝોનની માંગની ચકાસણી અને તેની યોગ્યતા શોધ્યા બાદ સોદો અટકાવ્યો હતો જે માન્ય છે.

શું હતો સમગ્ર વિવાદ…?? 

હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિટેલ સેક્ટર ક્ષેત્રે મોટા દાવ પેચ રમી રહી છે. ફ્યુચર ગ્રુપ કે જે દેશની બીજી સૌથી મોટી રિટેલ કંપની છે. ફ્યુચર  કંપનીના દેશભરમાં 1,700થી વધુ સ્ટોર ઉપલબ્ધ છે. જેની સાથે રિલાયન્સે રૂ. 24,731 કરોડનો હસ્તાતરણનો કરાર કર્યો હતો. ફ્યુચર સાથેની ડીલ પછી, રિલાયન્સને ફ્યુચર ગ્રુપના રિટેલ તેમજ વેરહાઉસ અને અને લોજિસ્ટિક્સ બિઝનેસ પર અધિકારો મળવાના હતા. આ માટે ઓગસ્ટ 2020માં રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે 24,713 રૂપિયાનો સોદો થયો. પરંતુ આનો એમેઝોને વાંધો ઉઠાવ્યો કેમ કે અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોનનો પણ ફ્યુચર ગ્રુપ સાથે કરાર છે.

એમેઝોને વર્ષ 2019માં ફ્યુચર ગ્રુપની પેટા કંપની ફ્યુચર કૂપન લિમિટેડમાં 49% હિસ્સો ખરીદ્યો હતો. અને આ સાથે જ એમેઝોનને તેના હિસ્સાની લેવડ દેવડની વ્યવહાર કરવાનો પણ હક્ક મળેલો. ફ્યુચર કુપન કંપની કે જેનો ફ્યુચર ગ્રુપના રિટેલ બિઝનેસમાં 9 % હિસ્સો છે. આમ, પરોક્ષપણે એમેઝોનને આ ફ્યુચર ગ્રુપના ખરીદ વેચાણને લગતા નિર્ણયોમાં પણ સહભાગી થવાનો હક્ક મળેલો. રિલાયન્સ સાથેના ફ્યુચર ગ્રુપના આ સોદાનો એમેઝોને વિરોધ કર્યો અને આ એકતરફી નિર્ણયને પાછો ખેંચવા માંગ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.