Abtak Media Google News

ઓલમ્પિક દરમિયાન સાથી ખેલાડીઓ અને કોચ સાથે દુર્વ્યવહાર બદલ અસ્થાયી રૂપે ફોગાટ સસ્પેન્ડ

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ભારતીય કુશ્તી મહાસંઘે સસ્પેન્ડ કરી છે. ભારતીય કુશ્તી મહાસંઘે કહ્યું કે, ટોક્યો ઓલિમ્પિક ખેલો દરમિયાન અનુશાસનહીનતા બદલ સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવી છે અને સાથે સાથે દુર્વ્યવહાર બદલ યુવા સોનમ મલિકને નોટિસ ફટકારવામાં આવી છે.

એવું જાણવા મળ્યું છે કે, ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થયેલી વિનેશ ફોગાટને નોટિસનો જવાબ આપવા માટે ૧૬ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેમાં અનુશાસનહીનતાના ૩ આરોપ લગાવવામાં આવ્યા છે.

વાત જાણે એમ છે કે, કોચ વોલેર એકોસ સાથે હંગરીમાં ટ્રેનિંગ કરી રહેલી વિેનેશ ફોગાટ ત્યાંથી સીધી ટોક્યો પહોંચી હતી જ્યાં તેણે ઓલિમ્પિક વિલેજમાં રહેવા અને ભારતીય ટીમના અન્ય સભ્યો સાથે ટ્રેનિંગ કરવાની ના પાડી દીધી હતી. આ સાથે જ તેણે ભારતીય દળના અધિકૃત પ્રાયોજક શિવ નરેશનો પોષાક પહેરવાનો ઈન્કાર કરતા પોતાની મેચો દરમિયાન નાઈકીનો પોષાક પહેર્યો.

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, આ અનુશાસનહીનતા છે. તેને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરાઈ છે અને કુશ્તી સંલગ્ન તમામ ગતિવિધિઓથી પ્રતિબંધિત કરાઈ છે. જવાબ ન આપે ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્રીય કે અન્ય ઘરેલુ સ્પર્ધાઓમાં તે ભાગ લઈ શકશે નહીં અને રેસલર ફેડરેશન અંતિમ નિર્ણય કરશે.

સૂત્રએ કહ્યું કે રેસલર ફેડરેશનને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનએ ફટકાર લગાવી છે કે, તેઓ પોતાના ખેલાડીઓને કંટ્રોલ કરી શકતા નથી. ટોક્યોમાં રહેલા અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું કે વિનેશને જ્યારે ભારતીય ટીમની તેની અન્ય સાથી ખેલાડીઓ સોનમ, અંશુ મલિક અને સીમી બિસ્લા નજીક રૂમ આપવામાં આવ્યો તો તેણે હોબાળો મચાવી દીધો અને કહ્યું કે તે કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે  કારણ કે આ પહેલવાન ભારતથી ટોક્યો આવ્યા છે.

અધિકારીએ કહ્યું કે, તેણે કોઈ ભારતીય પહેલવાન સાથે ટ્રેનિંગ કરી નથી. એવું લાગ્યું કે તે હંગરીની ટીમ સાથે આવી છે અને ભારતીય દળ સાથે તેને કોઈ લેવાદેવા નથી. એક દિવસ તેની ટ્રેનિંગનો સમય ભારતીય છોકરીઓ સાથે ટકરાઈ રહ્યો હતો તો તેણે તેમની સાથે એક જ જગ્યાએ ટ્રેનિંગ ન લેવાનો નિર્ણય લીધો. અધિકારીએ કહ્યું કે આ સ્વીકાર્ય નથી. સીનિયર પહેલવાનો પાસેથી આ પ્રકારના વર્તનની અપેક્ષા ન હોય. વિનેશ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર ગણાતી હતી પરંતુ બેલારૂસની વેનેસાએ તેને પટકી દીધી. આ બાજુ ૧૯ વર્ષને સોનમને દુર્વ્યવ્હાર માટે નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.