Abtak Media Google News

કૈલાસ માનસરોવર યાત્રા જીવનું શિવ સાથે મીલન થાય તેવી અનુભૂતી આપનારી દિવ્ય યાત્રાઓમાની એક યાત્રા છે. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં તીર્થ સ્થાનોની યાત્રામાં કૈલાસ માનસરોવર યાત્રાનું વિશેષ મહત્વ છે ત્યારે આ યાત્રા પર જવાનું સૌ કોઈનું સપનું હોય છે. આ યાત્રા અતિ કષ્ટદાયી અને મનની શાંતિની સાથે રોમાંચ આપનારી છે. ત્યારે ભારત સરકારનાં વિદેશ મંત્રાલય દ્વારા પસંદગી પામીને વર્ષ ૨૦૧૫-૧૬માં કૈલાસ માનસરોવર યાત્રા પરિપૂર્ણ કરનાર યાત્રિકોનું મહાનુભાવોના હસ્તે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા ૨૩,૦૦૦ નો ચેક, શાલ અને ભગવાન શંકરની મૂર્તિ  ભેટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

Advertisement
Whatsapp Image 2017 08 22 At 4.32.36 Pm
yatradham and vikas board organize mansarovar tourist program

આ પ્રસંગે ઉપસ્થિત રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ યાત્રાને તમામ યાત્રાળુઓના જીવનનો અતિ મહત્વનો પ્રસંગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભગવાન શંકરની શરણમાં જતા ભક્તને અનેક વિઘ્નોનો સામનો કરવો પડે છે પરંતુ જો ભાગ્યમાં લખ્યુ હોય અને શિવજીની કૃપા હોય તો કોઈપણ રીતે આ પવિત્ર યાત્રા સંપન્ન થાય છે.

આ પ્રસંગે તેમણે દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતની વાત કરતા જણાવ્યું હતું કે, આ દેશ અનાદિકાળથી ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલો દેશ છે અને અહીં ધર્મ ટક્યો છે માટે દેશની દિવ્યતા અને જીવંતતા લોકોને સ્પર્શે છે.

વધુમાં તેમણે ગુજરાત સરકારના યાત્રાધામની મુલાકાત લઈ સરકાર દ્વારા પાછલા કેટલાક વખતમાં ઉભી કરાયેલી અદ્યતન સુવિધાઓનો લાભ લેવા જણાવ્યું હતું તથા રાજ્ય સરકારની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સિનિયર સિટિઝન માટે અમલમાં મુકાયેલી વિવિધ યાત્રાઓની યોજના પૈકી  કેટલીક મહત્વની યોજનાની ઉપસ્થિત લોકોને જાણકારી આપી હતી.

આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરનાર તમામને યાત્રા કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી તથા ૨૧ વખત કૈલાસ માનસરોવર યાત્રા પરિપૂર્ણ કરનાર પોરબંદરના યાત્રાળુ અશોકભાઈ રાડીયાનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, ઉપાધ્યક્ષશ્રી રાજુભાઈ ધ્રુવ, સચિવશ્રી કિરીટ એમ. અધ્વર્યુ, સોમનાથ મંદીરના પૂજારી તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.⁠⁠⁠⁠

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.