ભારતમાં ક્રિપ્ટોના કાળા કારોબારમાં યુવા પેઢીનો મહત્તમ હિસ્સો

2009માં બિટકોઈનનો ભાવ માત્ર બે ડોલર હતો આજે  69000 ડોલરે પહોંચ્યો છે

ફાઇનાન્શ્યલ સેક્ટરમાં વેલ્યુએશન અને ઇન્વેસ્ટમેન્ટનાં નામે એક દાયકા પહેલા એન્ટ્રી કરનાર ક્રિપ્ટોકરન્સીના કારોબારને ભારતીય રિઝર્વ બેંકે હાલમાં જ જુગારખાના નું શિર્ષક આપ્યું છે. તેનાથી એક તબક્કે માર્કેટમાં થોડો ઉહાપોહ જરૂર થયો પણ આંકડાકિય હકિકતો રિઝર્વ બેંકનાં દાવાનાં સમર્થનમાં છે. ઇતિહાસ જોઇએ તો વર્ષ 2009 માં શરૂ થયેલા આ કારોબાર માં બિટકોઇનનો ભાવ નવેમ્બર-2011 મા એક બિટકોઇન દિઠ બે ડોલર નો હતો જે એક જ દાયકામાં એટલે કે નવેમ્બર-2021 માં વધીને 69000 ડોલરે પહોંચ્યો અને હમણાં તાજેતરમાં ઋઝડ નાં ભોપાળાં બાદ પાછો ઘટીને નવેમ્બર-22 માં 15500 ડોલરે આવી ગયો હતો.

આ એક વર્ષનાં ગાળામાં રોકાણકારોએ 1.40 ટ્રિલિયન ડોલરનું ભારે ધોવાણ સહન કર્યુ છે. આવી મોટી હાર-જીતવાળા કારોબારને રિઝર્વ બેંકનાં ગવર્નર જુગારખાના સાથે સરખાવે તે સ્વાભાવિક છૈ.  શું આપ જાણો છો કે આવડી મોટી ગેમમાં સૌથી વધુ ભોગ ભારતની યુવા પેઢી બની રહી છે.

હાલમાં જ થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છેકે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા ભારતીયોમાં 89 ટકા રોકાણકારો 18 થી 35 વર્ષની વય મર્યાદા વાળા હોય છૈ. એમાં પણ દિલ્હીનાં રોકાણકારોની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. આ ઉપરાત ઋઝડ નાં ગોટાળા વખતે ભલે સૌથી વધારે ધોવાણ થયુ હોવા છતાં બિટકોઇન રોકાણકારોમાં સૌથી વધારે ફેવરિટ છે.  ભારતમાં ક્રિપ્ટોનું ચલણ પ્રાથમિક ધોરણે નવી પેઢીમાં વધી રહ્યું છે. 18 થી 25 વર્ષની વયનાં લોકો 45 ટકા છે, 26-35 વષર્ષની વયનાં 34 ટકા લોકો છે.  આ ધંધામાં 45 વર્ષથી ઉપરની ઉંમરનાં ભારતીય રોકાણકારોની સંખ્યા માંડ આઠ ટકા જેટલી જોવા મળે છે.

ભારતમાં બિટકોઇન ઉપરાંત ડોગ અને ઇથેરિયમ ક્રિપ્ટોનાં રોકાણ માટે લોકોમાં સૌથી લોકપ્રિય છે. જો કે રિઝર્વબેંકનાં ગર્વનર શક્તિકાંત દાસ તો ભારતમાં આ કારોબાર ઉપર પ્રતિબંધ લાદવાની તરફૈણ કરે છે. તેમણે તર્ક આપ્યો હતો કે દરેક રોકાણકારને આ એસેટ ક્લાસ કે ફાઇનાન્શ્યલ પ્રોડક્ટ લાગશૈ પણ વાસ્તિવિકતા અલગ છૈ. કારણ કે તેની કોઇ અંડરલાઇંગ વેલ્યુ નથી.

માત્ર ધારણા અને અટકળોનાં આધારે જ્યાં કોઇ મુડી રોકાતી હોય તેને જુગાર જ ગણવો પડે. આ તર્કના કારણે જ કદાચ ભારતમાં ક્રિપ્ટોને હજુ કાયદેસર માન્યતા નથી. જ્યારે ડિજીટલ કરન્સી ક્રિપ્ટો કરન્સી કરતા ઘણી અલગ હોવાથી સરકારે હાલમાં જ હોલસેલ તેમજ રિટેલ એમ બન્ને સેગ્મેન્ટ માટે તેની સેવા શરૂ કરી છે. ડિજીટલ કરન્સીમાં આગામી દિવસોમાં મોટા ટ્રાન્ઝક્શન જોવા મળશે એવું અનુમાન છે.

ભારતમાં ક્રિપ્ટોની વાત કરીએ તો ટોચના સ્થાને દિલ્હી છે જ્યારે બેંગ્લોર તથા હૈદરાબાદ જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં કારોબારમાં મોખરે રહેતા શહેરોમા બીજા તથા ત્રીજા નંબરે આવે છે.  ટાયર-2 તથા ટાયર-3 ક્રમાંકનાં શહેરોમાં જયપુર એવું શહેર છે જ્યાં ક્રિપ્ટોમાં સૌથી વધારે રોકાણ થતું હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ પૂના અને લખનૌ જેવા શહેરોના નામ આવે છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 2022 માં 190 લાખ મહિલાઓએ ક્રપ્ટોનાં કારોબારમાં મુડી રોકી હોવાનું જાણવા મળે છે. જ્યારે કુલ 1150 લાખ રોકાણકારો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. ભારતમાં બિટકોઇનનો 12.12 ટકા જેટલો હિસ્સો હોવા ઉપરાંત ડોગ નો 11.54 ટકા તથા ઇથેરિયમનો 9.43 ટકાનો હિસ્સો છે. આજ રીતે શિબુ ઇનુ 6.92 ટકા અને પોલિગોન 4.3 ટકાનો હિસ્સો ધરાવે છે.

જ્યારે ભારત સરકાર અર્થાત રિઝર્વબેંક ક્રિપ્ટોનાં કારોબારને જુગાર ગણીને માન્યતા આપવા તૈયાર નથી ત્યારે સરકારે આ કારોબારમાં નાના રોકી રહેલી નવી પેઢીને આ કારોબારથી દૂર રાખવાનાં પણ પ્રયત્નો કરવાની જરૂર છે. કારણ કે જેમ સમય જતો જશે તેમ આ કારોબાર ક્રિકેટનાં સટ્ટાની જેમ ઘર-ઘર સુધી પહોંચી જશૈ પછી દેશને આ કારોબારમાંથી મુક્ત કરવો વધારે મુશ્કેલ થશે.