Abtak Media Google News

જામનગર મહાનગર પાલિકાના તિજોરીમાં કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવામાં દર મહિને ધાંધીયા થાય છે. કોન્ટ્રાક્ટરોને તેમના બીલના નાણાં ચૂકવવામાં અખાડા થઈ રહ્યાં છે. તો કેટલાંક ચોક્કસ કામના લાગતાવળગતા કોન્ટ્રાક્ટરોને કામ અધૂરાં હોય તો પણ તેમના બીલના નાણાં ધડાધડ ચૂકવાઈ જાય છે, તો કેટલાંક કામના ટેન્ડર બહાર પાડ્યા પછી આ કામમાં જ ધીમે-ધીમે કોન્ટ્રાક્ટરની ’વિનંતી’ ને ધ્યાનમાં લઈને ભાવમાં તોતીંગ વધારો પણ કરી દેવાયાના દાખલા બને છે.

આ તમામ પ્રક્રિયામાં મહાનગરપાલિકાનું એકાઉન્ટસ ખાતુ, ઓડિટ ખાતું મનમાની કરી રહ્યું હોય તેમ જણાય છે. મનપાના ઓડીટ વિભાગ પ્રત્યે તો અનેક શંકા-કુંશકાઓ કાયમ માટે પ્રવર્તે છે, જાણકારોના મંતવ્ય પ્રમાણે દર વરસે નિયમિત રીતે રજૂ કરવાનો સતાવાર ઈન્ટરનલ (મનપાના ઓડિટ વિભાગ) ઓડિટ રિપોર્ટ ક્યારે રજૂ થાય છે, તેની કોઈને ખબર જ નથી… તેમ છતાં દર વરસે મનપાનું અંદાજપત્ર રજૂ થાય છે, મંજૂર થાય છે, અને બધું લોલમ્ લોન જેમ ચાલી રહ્યું છે…!આટલી પ્રાસ્તવિકતા એટલા માટે રજૂ કરવી પડે છે કે, મનપા તંત્ર આડેધડ ખર્ચ કરવામાં પાછું વાળીને જોતું નથી. આવકના સાધનો પ્રત્યે કાં તો દુર્લક્ષ સેવવામાં આવે છે અથવા કેટલીક ચોક્કસ બાબતોમાં આવક મનપાની તિજોરીને થાય તેના બદલે જવાબદાર તંત્રના સ્ટાફના ગજવામાં જાય છે, તેવી શંકા પ્રેરે તે રીતે કામકાજ થઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.