Abtak Media Google News

પરણીતાએ પોતાના પતિ સાસુ અને દિયરના ત્રાસથી કંટાળી જઇ આત્મહત્યાનું પગલું ભર્યાનો પોલીસે ગુનો નોંધ્યો

મૃતકના માતા-પિતા દ્વારા જામનગરમાં આવીને પુત્રી ને ત્રાસ હોવાનું જાહેર કર્યા પછી સમગ્ર મામલે નવો ખુલાસો થયો

સાધના કોલોની ની પરણીતાના ચકચારી આત્મહત્યા કેસમાં મૃતકની માતા એ રહસ્ય પરથી પડદો ઉચકાવ્યો

પોતાના ત્રાસની ઘટનાને છુપાવવા માટે ભારતીબેને પોલીસના ત્રાસ ના કારણે આપઘાત કર્યા ની ખોટી સ્ટોરી ઊભી કરી હોવાનો ખુલાસો કર્યો

અબતક જામનગર-સાગર સાંઘાણી
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી એક પરણીતા એ ગઈકાલે પોતાના ઘેર એસિડ પીલઇ આત્મહત્યા કરી લીધા પછી પોલીસ દ્વારા પતિને ત્રાસ અપાતો હોવાથી પોલીસ ત્રાસ ને લીધે આત્મહત્યાનું પગલું ભર્યાનો આક્ષેપ કરાયો હતો, પરંતુ મૃતક યુવતી ના માતા પિતાએ જામનગર આવ્યા પછી નવો ખુલાસો કર્યો હતો, અને આખરે આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. અને પોલીસે પરણીતાને દહેજ ના કારણે ત્રાસ આપી મરવા પર મજબૂર કરનાર પતિ- સાસુ અને દિયર સામે ગુનો નોંધ્યો છે. ઉપરાંત પરણિતાના ભાઈને પણ ઢોર માર માર્યા ની ફરિયાદ નોંધાવી છે.

જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી ભારતીબેન બીપીનભાઈ ચાવડા નામની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર એસિડ પીલઇ આત્મહત્યા કરી લીધી હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેણીને લઈ જવાયા પછી ફરજ પરના તબીબે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

સૌપ્રથમ આ બનાવ મામલે પતિ દ્વારા પોલીસના ત્રાસના કારણે આ પગલું ભર્યા નો આક્ષેપ કરાયો હતો. પોલીસ દ્વારા પતિ બિપિનને અવાર નવાર ત્રાસ અપાતો હોવાથી પતિ બીપીન પોતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેશે તેવી વાત કરતાં પત્ની ભારતીબેન ને મનમાં લાગી આવ્યું હતું, અને મારું શું થશે, તેમ કહી તેણે આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસના ત્રાસના કારણે ભારતીબેને જીવ ખોયો છે તેવી જાહેરાત પતિ સાસુ વગેરે દ્વારા કરાતાં પોલીસ તંત્રમાં ભારે દોડધામ થઈ હતી.

આ બનાવ પછી કેટલાક જ્ઞાતિજનો એકત્ર થઈ ગયા હતા, અને પોલીસ સામે ગુનો નોંધવા માટે ના પ્રયત્નો થયા હતા. મોડી રાત્રે કેટલાક લોકોનું ટોળું જિલ્લા પોલીસવડા ના બંગલા ની બહાર બેસી ગયું હતું, અને પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાશે ત્યાર પછી અહીંથી ઊભા થશું, તેમ કહી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

અચાનક જ આ પ્રકરણમાં રાત્રિના સમયે નવો વળાંક આવ્યો હતો. ભારતીબેન ના માતા લાખીબેન તેમજ પિતા હરદાસભાઇ કે જેઓ ભાણવડ તાલુકાના આંબરડી ગામમાં રહે છે, તેઓ જામનગર આવી પહોંચ્યા હતા, અને નવો ખુલાસો કર્યો હતો. પોલીસના ત્રાસના કારણે નહીં પરંતુ અમારી પુત્રીએ તેના પતિ, દીયર અને સાસુના દહેજ અને મારકૂટ ના ત્રાસના કારણે આ પગલું ભર્યું છે.

એક તબક્કે તો માતા દ્વારા મારી પુત્રીને મારી નાખવામાં આવી છે, તેવી પણ વાત કહેવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમય થી ભારતીબેનને ત્રાસ અપાતો હતો, અને પોતાના માવતરે પણ આવી ગઈ હતી. ઉપરાંત બે મહિના માટે પતિ વગેરેની દહેજ ની માંગણી અને ત્રાસના કારણે નારી સુરક્ષા ગ્રહમાં પણ રહેવા જવાનો વારો આવ્યો હતો.

સાથો સાથ સમાધાન કરવા માટે ગયેલા ભારતીબેન ના ભાઈ દિપકને પણ આરોપીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. પરંતુ પરિવારજનો ચૂપચાપ રહ્યા હતા. પરંતુ ગઈકાલે જ્યારે ભારતીબેને અંતિમ પગલું ભરી લીધું હતું, ત્યારે પરિવારજનોએ ખુલાસો કરતાં આખરે એસ.પી.ના બંગલે પહોચેલા લોકો પોતાના ઘેર પરત ચાલ્યા ગયા હતા.

દરમિયાન આજે સવારે સીટી એ. ડિવિઝન પોલીસમાં મૃતક ભારતીબેન ની માતા લાખીબેન હરદાસભાઈ કે જેમણે પોતાની પુત્રીને ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા તેણીના પતિ બીપીન સોમાભાઈ ચાવડા, સાસુ રામીબેન સોમાભાઈ ચાવડા અને દિયર અનિલ સોમાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ પોતાના પુત્ર દિપકને પણ ઢોર માર મારી  પતાવી દેવાની ધમકી આપવાનું પણ ફરિયાદ માં જણાવ્યું છે.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ ૩૦૬, ૪૯૮(અ),૩૨૩,૫૦૪,૫૦૬(૨), અને ૧૨૪ હેઠળ ગુનો નોંધ્યો છે.

આરોપીઓને ભારતીબેન પાસેથી બે વીઘા જમીન પણ લખાવી લેવી હોવાથી દહેજના કારણે ત્રાસ ગુજારવામાં આવતો હતો, તેથી દહેજ ધારા ની કલમ અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં એક પરણીતાએ એસીડ પી લઈ આત્મહત્યા કરી લેવા અંગેના બનાવમાં નવો વણાંક આવ્યો હતો, અને મૃતક ભારતીબેન ની માતા લાખી બેને આવીને સાચો ખુલાસો કરતાં રહસ્ય પરથી પડદો ઉચકાયો હતો.

મૃતક ના માતા લાખી બેન, પિતા હરદાસભાઇ, નાનો ભાઈ બીપીન વગેરે જી.જી.હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા, અને તંત્ર વગેરે સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

પોતાની પુત્રી ના મોત પાછળ જમાઇ બીપીન સોમા ચાવડા, તેમજ સાસુ રામીબેન અને દિયર અનિલ વગેરે ના ત્રાસ ના કારણે કરી આત્માહત્યા કરી હોવાનું જાહેર કર્યું હતું,પોતાના ત્રાસ અંગેના કરતુતો ને છુપાવવા માટે પોલીસ ઉપર આરોપ લગાવી ખોટી રીતે પોલીસને બદનામ કરી પોતે છટકવાનો પ્રયાસ કરી રહ્યાનું જાહેર કર્યું હતું,

મારો જમાઈ બીપીન આ સંડવણીમાંથી બચવા માટે આ બધું કરે છે, અવાર નવાર મારી પુત્રી ને બીપીન ઢોર માર મારતો હતો, મારી બેટીએ આ પગલું બીપીન થી કંટાળીને ભર્યું છે, તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું. પુત્રીને સમાધાન માટેના અનેક પ્રયાસો કરાયા હતા. ઉપરાંત દહેજ મામલે પણ ત્રાસ ગુજારતો હતો.

અનેક વખત સમજાવટ કરવા માટે પુત્ર દિપક જામનગર આવ્યો હતો, જ્યાં તેને પણ ઢોર માર મારીને રવાના કરી દેવાયો હતો . આ અગાઉ પણ પુત્રીએ બે વખત આપઘાત ના પ્રયાસો કરી લીધા નું પણ જણાવ્યું હતું. જેથી સમગ્ર મામલે સત્ય હકીકત સામે આવી ગઈ હતી, અને આખરે પોલીસે સાસરીયાઓ સામે ગુનો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.