Abtak Media Google News

અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ: હરિયાણા રાજયના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર, અતિથિ વિશેષ તરીકે મનસુખ માંડવીયા હાજર રહેશે.

ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક રીતે દેશ-વિદેશમાં જાણીતી અગ્રગણ્ય સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટની નૂતન શાખાનો તા.૧૮ નવેમ્બરને રવિવારના રોજ સુપ્રભાતે શિલાન્યાસવિધિ થશે. આ શિલાન્યાસવિધિમાં પરમ પૂજય સદગુરુ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય મહેમાન તરીકે હરિયાણા રાજયના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના રાજયમંત્રી મનસુખભાઈ માંડવિયા, તેજપાલસિંહ તંવર (વિદ્યાયક, સોહના-હરિયાણા), બ્રહ્મસિંહજી તંવર (માજી વિધાયકશ્રી, દિલ્હી), મહંત સીપાય્યારી શરણ (ચીફ ટ્રસ્ટી, છતરપુર ટેમ્પલ ટ્રસ્ટ), ડો.રાજીવ રંજન (જનરલ સેક્રેટરી આરડીએ-એઆઈએમએસ ન્યુ દિલ્હી), ડો.હરજીતસિંહ ભરી (પ્રેસીડેન્ટ આરડીએ-એઆઈએમએસ-ન્યુ દિલ્હી), ડો.જગન્નાથ પટ્ટનાયક (વાઈસ ચાન્સેલર-સિકકીમ યુનિવર્સિટી, ધીરજલાલ કાકડિયા (આઈએએસ તેમજ ગુરૂકુલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી), લાલજીભાઈ પટેલ (ઉધોગપતિ-ધર્મનંદન ડાયમંડ અને ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી) તથા હૈદરાબાદથી પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી તથા સંતો પધારશે. દિલ્હી ખાતે સવારે ૯ કલાકે વેદોકતવિધિથી કરવામાં આવશે. આ પ્રસંગે ઋષિકેશમાં પધારેલ સંતો તથા શિબિરાર્થી ભાઈ-બહેનો ૧૧૦૦ જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવશે.

પ્રભુ સ્વામીની યાદીમાં વિશેષ જણાવાયું છે કે, તા.૧૮/૧૧/૨૦૧૮ને રવિવારના રોજ સવારના ૯:૦૦ કલાકે ભૂમિપ્રવેશ, ૯:૪૫ કલાકે સમારોહ પ્રારંભ, ૧૦:૦૦ કલાકે દિપ પ્રાગટય, ૧૦:૧૫ કલાકે શિલાન્યાસવિધિ, ૧૧:૦૦ કલાકે સંતોના આશીર્વાદ તથા મહેમાનોના પ્રવચન થશે. ૧૨:૦૦ કલાકે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નૂતન ગુરૂકુલનું નિર્માણ ગુરુગ્રામ, દિલ્હી એન.સી.આર.ના પ્રાઈમ લોકેશનમાં ૧૫ વિઘાના વિશાળ કેમ્પસમાં સાડા ત્રણ લાખ સ્કેવર ફુટ બાંધકામમાં ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે ઉચ્ચતમ કક્ષાનું શિક્ષણ સીબીએસઈ, આઈસીએસઈ, આઈજીસીએસઈ તથા આઈબી બોર્ડ હેઠળ લઈ શકશે.

રાજકોટ ગુરૂકુલના સ્થાપક પ.પૂ.સદગુરુ શાસ્ત્રી મહારાજ, ધર્મજીવનદાસજી સ્વામીએ ભારત દેશની આઝાદીની શરૂઆતમાં ભારતની ભાવિ પ્રજામાં વિદ્યાર્થીઓમાં શુભ સંસ્કાર આપવાના હેતુથી ૧૯૪૮માં રાજકોટ ગુરૂકુલની સ્થાપના કરી. શાસ્ત્રીજી મહારાજે અભ્યાસની સાથે સદવિધા મળે એ હેતુથી પોતાની હૈયાતિમાં રાજકોટ-જુનાગઢ અને અમદાવાદમાં ગુરૂકુલોની સ્થાપના કરી સ્વામિના અક્ષરધામ પછી પ.પૂ.મહંત સ્વામી સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીની રાહબરી નીચે તેત્રીસ જેટલા ગુરૂકુલો દેશ-વિદેશમાં સ્થપાયા. દર વર્ષે ગુરૂકુલની શાખામાં વધારો થતો રહ્યો છે. આ ગુરૂકુલોની સાર-સંભાળ માટે ૨૫૦ જેટલા સ્ત્રી-ધનના ત્યાગી સંતો રાત-દિવસ કાર્ય કરી રહ્યા છે. ગુરૂકુલની વિવિધ શાખામાં હાલ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાની સાથે સદવિદ્યાની પ્રાપ્તિ કરી રહ્યા છે.દેશ-વિદેશમાં ગુરૂકુલના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા લાખોની સંખ્યામાં હરિભકતો પથરાયેલા છે. દુનિયામાં કોઈ એવો દેશ નથી જયાં ગુરૂકુલનો વિદ્યાર્થી ન હોય. ગુરૂકુલની નૂતન શાખા દિલ્હીમાં શરૂ થઈ રહી છે ત્યારે ગુરૂકુલ કલંગીમાં ઉમેરો થઈ રહ્યો છે. આ શિલાન્યાસમાં પધારવા સૌને હાર્દિક નિમંત્રણ છે એમ પ્રભુચરણ સ્વામીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.