Abtak Media Google News

ન્યુ રાજકોટને ૩૧મી જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી ન્યારી ડેમમાં સંગ્રહિત, લાલપરીમાં ૩.૧૫ ફુટ અને ભાદર ડેમમાં ૦.૧૦ ફુટ નવા નીર આવ્યા

રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ગુરુવારે સાંજે પડેલા વરસાદના કારણે શહેરની જળજ‚રીયાત સંતોષતા મુખ્ય પાંચ જળાશયો પૈકી ચાર જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા મહાપાલિકાની માલિકીના એકમાત્ર જળાશય એવા ન્યારી-૧ ડેમમાં નવું ૧ ફુટ પાણી આવતા ડેમની સપાટી ૧૭ ફુટે પહોંચી જવા પામી છે. હવે ન્યારી ડેમ ઓવરફલો થવામાં માત્ર ૮ ફુટ બાકી રહ્યું છે. લાલપરી તળાવમાં ૩.૧૫ ફુટ અને ભાદર ડેમમાં ૦.૧૦ ફુટ નવા પાણીની આવક થવા પામી છે.

આ અંગે મહાપાલિકા અને સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ન્યારી-૧ ડેમમાં નવું ૧ ફુટ પાણી આવ્યું છે. ૨૫.૧૦ ફુટે ઓવરફલો થતા ન્યારી-૧ ડેમની સપાટી ૧૭ ફુટે પહોંચી જવા પામી છે.

ડેમમાં હાલ ૫૭૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યારી ડેમ ઓવરફલો થવામાં હવેમાત્ર ૮ ફુટ બાકી રહ્યો છે. નવું ૬૩ એમસીએફટી પાણી આવ્યું છે જે ન્યુ રાજકોટને ૨૧ દિવસ ચાલે તેટલું છે. હાલ ન્યારી ડેમમાં ન્યુ રાજકોટને ૩૧મી જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત ભાદર ડેમમાં નવું ૦.૧૦ ફુટ પાણી આવતા ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી ૨૫.૬૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૩૪૦૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

ન્યારી-૨ ડેમમાં નવું ૦.૪૯ ફુટ પાણી આવ્યું છે. ડેમમાં ૩૫૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યારી-૨ ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર બે ફુટ બાકી રહ્યો છે. શહેરની ભાગોળે આવેલા લાલપરી તળાવમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩.૧૫ ફુટ નવા પાણીની આવક થતા ૧૫ ફુટે છલકાતા લાલપરી તળાવની સપાટી ૧૧ ફુટે પહોંચી જવા પામી છે. લાલપરીમાં હાલ ૧૦૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.