Abtak Media Google News

રાજ્યમાં લેન્ડગ્રેબિંગ કમિટી નિર્ણય લ્યે તે પૂર્વે જ 1200 કેસમાં હાઇકોર્ટના સ્ટે મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે કાયદામાં અનેક ઉણપ હોવાનો નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો છે. સાથે દરેક જિલ્લામાં સરકારી દબાણ સામેના સુઓમોટોવાળા કેસ પણ જૂજ જ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

કાયદામાં અનેક ઉણપ હોવાનો નિષ્ણાંતોનો મત : દરેક જિલ્લામાં સરકારી દબાણ સામેના સુઓમોટોવાળા કેસ પણ જૂજ જ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2020 ડિસેમ્બરમાં ઘી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. કાયદા અન્વયે રાજયમાં આવેલ જમીન પર ભૂમાફિયાઓના વધતા ત્રાસ અટકાવવા કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. વળી આ કાયદામાં એક વિશેષ જોગવાઇ કરવામાં આવી છે કે સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં જિલ્લા કલેકટર અને રાજ્ય સરકાર આપમેળે સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. રાજ્યમાં સરકારી જમીનો ઉપર બેફામ દબાણો છે તેવામાં આવી રીતે કાર્યવાહી બહુ જૂજ જ થતી હોવાનું ધ્યાને આવ્યું છે. એકટ અન્વયે આવેલ અરજીનુ નિરાકરણ લાવવા દર 15 દિવસે કમિટી નિર્ણય કરે છે. જમીન માલિક દ્વારા જમીનના પૂરાવાઓ સાથે કાયદા અન્વયે જિલ્લા સમાહર્તાને અરજી કરવામાં આવે છે. જે અન્વયે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નિમાયેલ 7 સભ્યોની કમિટી અરજી પર વિચારણા કરે છે.જો અરજદારની અરજી માન્ય રાખે તો આગામી 30 દિવસમાં જે તે પોલીસ મથકે અરજદારને પોલીસ કેસ કરવા હુકમ કરે છે.

આ કાયદા હેઠળ ન્યાય મેળવવા માટે જિલ્લા સમાહર્તાને પુરાવા સાથે અરજી કરવાની હોય છે. જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે. આ કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ 21 દિવસમાં નિર્ણય કરે છે. આ કાયદા અન્વયે દોષિત ઠરે તો 10 થી 14 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. હાલ જાણવા મળતી વિગત મુજબ હજુ તો લેન્ડગ્રેબિંગ કમિટી નિર્ણય લ્યે તે પૂર્વે જ 1200 કેસોમાં તો હાઇકોર્ટનો સ્ટે મળી ગયો છે. રાજકોટ જિલ્લામાં પણ આવા 650 કેસો છે જેમાં સ્ટે મળી ગયો છે. આમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે કાયદામાં ઘણી ઉણપ છે જેને સરકારે સુધારવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.