Abtak Media Google News

અમદાવાદમાં કોરોના વિફરતા વધુ ૪૩૪૦ નવા દર્દી: સૌરાષ્ટ્રમાં વધુ ૧૭૧૧ લોકો સંક્રમિત

સૌરાષ્ટ્રમાં ૮૬૫ સહિત રાજ્યમાં ૫૯૮૪ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત

રાજ્યભરમાં કોરોનાનો ગ્રાફ ફરી ઉચકતો દેખાઈ રહ્યો છે. ત્યારે એક દિવસમાં વધુ ૧૨,૭૩૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાંચ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં કોરોના વિફર્યો હોય તેમ વધુ ૪૩૪૦ નવા દર્દીઓએ નોંધાયા છે. તો સૌરાષ્ટ્રમાં પણ વધુ ૧૭૧૧ દર્દીઓ સંક્રમિત થયા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ૮૬૫ સહિત રાજ્યમાં કુલ ૫૯૮૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર ૧૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. ૫ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. ૧૬મી જાન્યુઆરીએ ૮ અને ૧૫મી જાન્યુઆરીએ ૭ લોકોના મોત થયા હતા. રાજ્યમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કેસ ઘટ્યા હતા. ત્યારબાદ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૨,૭૫૩ નવા કેસ નોંધાયા છે અને ૫ હજાર ૯૮૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ ૭૦,૦૦૦ને પાર થયાં છે. રાજ્યમાં ૨૫૬ દિવસ બાદ ૧૨,૦૦૦થી વધુ કેસ નોઁધાયા છે, અગાઉ ૭મી મેના રોજ ૧૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૯,૩૮,૯૯૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦,૧૬૪ છે. તેમજ અત્યાર સુધીમાં ૮,૫૮,૪૫૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૭૦,૩૭૪ એક્ટિવ કેસ છે, જેમાંથી ૯૫ દર્દી વેન્ટિલેટર પર છે.

સુરતમાં સોમવારે પણ કોરોના વિસ્ફોટ થયો છે. અને કેસોની સંખ્યા ૩૦૦૦ નજીક પહોંચી ગઈ છે. સોમવારે બપોર સુધી જ્યાં કોરોનાના કેસોની સંખ્યા ૮૮૦ હતા. ત્યાં સાંજ સુધી સુરત સિટીમાં કોરોના ના કેસોની સંખ્યા વધીને ૨૯૫૫ થઇ ગઈ હતી. સોમવારે કોરોનાથી એક વ્યક્તિનું મોત પણ થયું છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ દહેશત વર્તાવી હોય તેમ એક દિવસમાં વધુ ૧૭૧૧ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં એપી સેન્ટર તરીકે રાજકોટ જિલ્લામાં વધુ ૫૮૧ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો કચ્છમાં પણ વધુ ૧૪૯ લોકો વાયરસની ઝપટે ચડ્યા છે. જ્યારે ભાવનગરમાં પણ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ વધુ ૨૩૪ નવા દર્દીઓ નોંધાયા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત ન નિપજતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે વધુ ૮૬૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કોરોનાનો કહેર યથાવત: મ્યુ.કમિશ્નર, આરોગ્ય અધિકારી, એસ્ટેટ કંટ્રોલીંગ, હાઉસીંગ સેલના નાયબ ઇજનેર કોરોના સંક્રમિત

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન આગળ વધી રહ્યું છે અનેક અધિકારીઓ અને રાજનેતાઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાના વધતા જતા પ્રકોપમાં વધુ ચાર અધિકારીઓ અને વેપારી અગ્રણીના નામ ઉમેરાયા છે.જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણમાં અનેક નામાંકિત હસ્તીઓ પણ કોરોનાની ઝપટમાં આવી રહી છે. ધારાસભ્ય, કલેકટર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો તાજેતરમાં કોરોના પોઝીટીવ થયા હતા.

શનિવારે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડીને માથાના દુ:ખાવાની તકલીફ ઉભી થતા કોરોનાની આશંકાને લીધે ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિર્પોટ પોઝીટીવ આવ્યો હોવાનું ડે.કમિશ્નર વસ્તાણીએ શનિવારે સાંજે જાહેર કર્યુ હતું. આ પછી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી પ્રજાપતિ પણ કોરોના સંક્રમિત થયાનું બહાર આવ્યું હતું.

આજે મળતા અહેવાલ અનુસાર એસ્ટેટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુકેશભાઇ વરણવા, હાઉસીંગ સેલના નાયબ ઇજનેર અશોકભાઇ જોષી કોરોના સંક્રમિત થયાનું જાણવા મળે છે. આ તમામ અધિકારીઓ હોમ આઇસોલેશન થયા છે.

આ ઉપરાંત શહેરના જાણિતા વેપારી અગ્રણી ચંદુભાઇ બારદાનવાલા પણ કોરોનાની ઝપટે આવ્યાનું જાણવા મળે છે. આ તમામ લોકોએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે.આમ છેલ્લા ચાર દિવસમાં મહાનગરપાલિકાના અડધો ડઝન અધિકારીઓ કોરોના સંક્રમિત થતા મહાનગરપાલિકાના રૂટીન વહીવટને પણ અસર પડી છે. આવતીકાલે ટાઉન હોલ ખાતે મળનારી સામાન્ય સભામાં કોરોના સંક્રમિત થયેલા અને હોમ આઇસોલેશનમાં રહેલા કમિશ્નર સહિતના પાંચથી છ અધિકારીઓ હાજર રહી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.