Abtak Media Google News

લગ્ન પ્રસંગમાં ગયેલા ડોકટરે જમણવારમાં તમાચા ખાધા: એક શખ્સ સામે નોંધાતો ગુનો

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર રહેતા અને ફ્રીલાનિ્ંસગ તબીબી સારવાર આપતાં ડોકટર પર ગઇ કાલે રાત્રે ડિવાઈન પાર્ટી પ્લોટ ખાતે એક શખ્સે કોરોનાની સારવારના બિલ બાબતે ફડાકા ઝિક્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ છે. જમણવારમાં રહેલા ડોકટરે વાનગીને બદલે ફડાકા ખાતા પ્રસંગમાં દોડધામ મચી ગયો હતો. પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર ઓક્ટાગન ફ્લેટ બી – 401માં રહેતા ડો.જીજ્ઞેશ વિજયભાઈ વિસાવાડીયા (ઉ.વ.32)એ ભરતસિંહ હેમંતસિંહ ડાભી નામના શખ્સ સામે માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી દીધાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી છે.આ ફરિયાદમાં જણાવ્યા મુજબ કોરોના કાળ દરમિયાન ડો.જીજ્ઞેશ વિસાવાડિયા સંજીવની હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા ત્યારે આરોપી ભરતસિંહના પિતા હેમંતસિંહની સારવાર કરી હતી. પરંતુ સારવારના રૂ.15 થી 20 હજારની રકમ બાબતે આ ભરતસિંહએ તબીબ જીજ્ઞેશ વિસાવાડિયા સાથે બોલાચાલી કરી હતી.

ત્યાર બાદ આ શખ્સ અવારનવાર ડોકટરને ફોન કરીને ગાળો ભાંડી ધમકીઓ આપતો હતો. ત્યાર બાદ તબીબે આ શખ્સનો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો.તે દરમિયાન ગઇ કાલે ડો.જીજ્ઞેશ પોતાના પરિવાર સાથે 150 ફૂટ રિંગરોડ પર આવેલા ડિવાઈન પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં ભરતસિંહ ડાભી પણ આવ્યો હતો જેથી તે ડોકટરને જોઈ જતા લગ્ન પ્રસંગમાં માથાકૂટ કરવા લાગ્યો હતો. તબીબે કોઈ પ્રતિકાર કરતા ભરતસિંહ ડાભીએ ડો.જીજ્ઞેશને ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ડોકટરે યુનિવર્સિટી પોલીસ મથકમાં ભરતસિંહ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. તબીબની ફરિયાદના આધારે પોલીસે ભરતસિંહ ડાભી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.