Abtak Media Google News
  • ધુળેટીના કેમિકલ વાળા રંગે આગ ભભડાવી !!!
  • ઇજાગ્રસ્તોને રૂપિયા 1 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય :  ઘટનાની તપાસના આદેશ અપાયા

ધુળેટી પર્વના પવન પ્રસંગે ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હોવાના ઘટના બની હતી. સવારની ભસ્મ આરતી દરમિયાન આ ઘટના બનવા પામી હતી. પૂજારી સહિત અંદાજિત 14 લોકો આગની લપેટમાં આવી ગયા હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 9 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ઈન્દોરની હોસ્પિટલમાં રેફર કરાયા છે. બાકીના તમામ લોકો ઉજ્જૈન જિલ્લાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના સોમવારે (25 માર્ચ, 2024) સવારે 5:49 કલાકે બનવા પામી હતી. તે સમયે મુખ્ય પૂજારી સહિતના લોકો ગર્ભગૃહમાં ભસ્મ આરતી કરી રહ્યા હતા. તે દરમિયાન જ અચાનક આગ લાગી ગઈ હતી અને ત્યાં હાજર લોકો ગંભીર રીતે આગની લપેટમાં આવી ગયા છે. હાલ તમામ લોકો સારવાર હેઠળ છે. ગર્ભગૃહમાં ચાંદીની પરત પર ફ્લેક્સ લગાવવામાં આવ્યા હતા. તેમાં પણ આગ લાગી ગઈ હતી. કેટલાક લોકોએ ફાયર સંસાધનોથી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કર્યા હતા.

મુખ્ય પૂજારી સંજીવ, સત્યનારાયણ સોની, ચિંતામણ, રમેશ, અંશ શર્મા, શુભમ, વિકાસ, મહેશ શર્મા, મનોજ શર્મા, આનંદ, સોનું રાઠોડ, રાજકુમાર બૈસ, કમાલ અને મંગળ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ 14 વ્યક્તિઓમાંથી 9 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને ઈન્દોરનો સ્પેશિયલ હોસ્પિટલ ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. ઉજ્જૈન જિલ્લા કલેકટર નીરજ સિંઘે આ મામલે જણાવ્યું કે, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેના માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ સાથે જ કમિટીને આ મામલે તમામ તપાસ કરીને ત્રણ દિવસમાં રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કલેકટરે કહ્યું કે, કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતું આ ઘટના વિશેની તમામ તપાસ કરવામાં આવશે. આગ કઈ રીતે લાગી તે વિશે પણ તપાસ કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રતિ ઇજાગ્રસ્તોને રૂપિયા 1 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ નિર્ણય કર્યો છે.

આગની ઘટના પર મંદિરના પૂજારીએ જણાવ્યું કે આજે પણ દરરોજની જેમ ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી રહી હતી. લોકો હોળી રમી રહ્યા હતા. એવી શક્યતા છે કે જ્યારે કપૂર આરતી થઈ રહી હતી ત્યારે કેમિકલયુક્ત ગુલાલ કપૂર આરતીમાં પડી ગયો હતો, જેના કારણે આગ લાગી હતી. આ દરમિયાન આરતી નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટે તે પણ કહ્યું કે, ઘટના દરમિયાન મહાકાલ મંદિરમાં હજારો લોકો ભગવાન મહાકાલ સાથે ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા હતા. તે સમયે ભસ્મ આરતી પણ ચાલુ હતી. ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, શ્રદ્ધાળુઓમાંથી કોઈને પણ ઇજા કે નુકશાન થયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.