Abtak Media Google News

બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા થતાં નવસારીના વેપારીને બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ તેના પરિવારે હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરીને છ વ્યક્તિઓને નવજીવન આપી માનવતા મહેંકાવી હતી. સુરતમાંથી હ્યદય ટ્રાન્સફર કરી ટ્રાન્સપ્લાન્ટ કરવાની આ ૧૭મી ઘટના છે. નવસારીમાં વાંસદામાં ઉનાઇ ખાતે હાઉસીંગ સોસાયટીમાં રહેતા અને ડોલવણમાં ફર્નિચર, વાસણ, ઇલેકટ્રોનિક્સ ચીજોનો વ્યવસાય કરતા રાજેશકુમાર શિવપ્રસાદ ગુપ્તા (ઉ.વ. ૪૨) તા.૨જીએ રાતે પદમડુંગરીથી ઉઘરાણી કરી પરત ઘરે જતા હતા ત્યારે ઇકો ટુરીઝમ પાસે એક પ્રાણી રોડ પર આવી જતા તેને બચાવવા જતા બાઇક સ્લીપ થઇ ગઇ હતી. તેમને ગંભીર ઇજા થતા પ્રથમ વ્યારા બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

તા.૫મીએ તેને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. જે અંગે જાણ થતા ડોનેટ લાઇફ સંસ્થાની ટીમે પહોંચીને રાજેશકુમારના પરિવારને અંગદાન માટે સમજાવતા પરિવારે સ્વજનના હ્યદય, કિડની, લીવર, આંખોનું દાન કરવા તૈયારી દર્શાવી હતી. જેથી અઠવાલાઇન્સની હોસ્પિટલમાંથી ૧૨૦ મિનિટમાં હ્યદયને અમદાવાદ પહોંચાડી ત્યાં હોસ્પિટલમાં સારવાર લેતા ઓએનજીસીના ડીરેકટર વિસમ યાદવ (ઉ.વ.૫૮)ને ટ્રાન્સપ્લાન્ટ કરાયુંહ તું. ચાર વર્ષથી તેમને હ્યદયની તકલીફ હતી અને હ્યદયની કાર્યક્ષમતા ૧૦થી ૧૫ ટકા થઇ ગઇ હતી. છેલ્લા ૨૬ મહિનામાં સુરતથી હૃદય ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આ ૧૭મો બનાવ છે.

અગાઉ ૧૨ હ્યદય મુંબઇ, ૩ અમદાવાદ, ૧ ચેન્નાઇ અને ૧ હ્યદય ઇન્દોર મોકલાયું હતું. દાનમાં મળેલી કિડની પૈકી એક અમદાવાદના રાકેશ ભાણાજીભાઇ સદાવ્રતી (ઉ.વ. ૩૮) અને બીજી કિડની અમદાવાદના કમલેશ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ. ૨૮) તથા લીવર અમદાવાદના ખુશલ હરીશભાઇ પટેલ (ઉ.વ. ૩૧)માં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ છે. આંખોનું દાન સુરતની  લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.