Abtak Media Google News

પુરાવાના અભાવે હાઇકોર્ટે મૃત્યુદંડ સહિતના દોષીતોને છોડી મુક્યા: એટીએસ ગુનેગારોને સુસંગત પુરાવા રજૂ કરવામાં સદંતર નિષ્ફળ

રાજસ્થાન હાઈકોર્ટે જયપુરમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં તમામ 4 દોષિતોને નિર્દોષ છોડી મૂક્યા છે.કોર્ટે આ કેસમાં ડેથ રેફરેન્સ સહિત દોષિતો દ્વારા રજૂ કરવામાં આવેલી 28 અપીલ પર ચુકાદો સંભળાવ્યો છે. બુધવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે દોષિતોની અપીલને મંજૂર કરતા તેમના પક્ષમાં રાહત આપતો ચુકાદો આપ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ પંકજ ભંડારી અને જસ્ટિસ સમીર જૈનની બેંચે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કેસના દોષી એક સગીરનો કેસ કિશોર બોર્ડને મોકલ્યો છે, જ્યારે અન્ય દોષીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

ડેથ રેફરેન્સ પર હાઈકોર્ટમાં લગભગ 48 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. તમામ પક્ષોના મૌખિક તર્ક સાંભળ્યા બાદ કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો. સૈફ, રહમના, સલમાન અને સરવર આઝમીને નીચલી અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું કે, તપાસ અધિકારીને કાયદાકીય જાણકારી જ નથી. કોર્ટે તપાસ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી માટે કહ્યું છે. 20 ડિસેમ્બર 2019નાં રોજ 2008માં જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી સૈફુર રહમાનને ફાંસીની સજા સંભળાવી હતી. તો ત્રણ અન્ય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. વર્ષ 2008માં થયેલા વિસ્ફોટમાં પિંકસિટી ધ્રુજી ગયું હતું. એક પછી એક 8 વિસ્ફોટમાં 80 લોકો શહીદ થયા હતા, જ્યારે 170 લોકો ઘાયલ થયા હતા. જયપુર બ્લાસ્ટના બે અન્ય આરોપીઓને નવી દિલ્હીના બાટલા હાઉસમાં 2008માં થયેલા એનકાઉન્ટરમાં પોલીસે ઠાર કર્યા હતા.

સીરિયલ બ્લાસ્ટ પછી પોલીસે જયપુરની મુખ્ય માર્કેટ અને રોડ પર 500 સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. સીરિયલ બ્લાસ્ટના સમયે એક પણ સીસીટીવી કેમેરા ન હતા. તો એટીએસ રાજસ્થાનનું ગઠન કરાયું હતું. જેમાં કમાન્ડોઝન એક અલગ વિંગ બનાવવામાં આવી હતી. જેનું નામ છે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ આ ટીમ અત્યાધુનિક ટેક્નિક અને હથિયારોથી સજ્જ છે.

શું છે જયપુર સીરિયલ બ્લાસ્ટ કેસ?

રાજસ્થાનના પાટનગર જયપુરમાં 13મે, 2008નાં રોજ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. અલગ અલગ શહેરોમાં એકપછી એક 8 વિસ્ફોટ થયા હતા. આ કેસમાં 80 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 170 લોકો ઘાયલ થયા હતા. જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં એટીએસએ 11 આતંકીઓની ધરપકડ કરી હતી.આ કેસમાં પાંચ આરોપીઓને એટીએસ રાજસ્થાને ધરપકડ કરી હતી. તો હૈદરાબાદ પોલીસે આ કેસ સાથે જોડાયેલા બે આતંકીઓને પકડ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પણ એક આતંકીને પકડ્યો હતો. તો ત્રણ આરોપી લાંબા સમય સુધી ફરાર રહ્યાં જ્યારે બે આરોપીઓના મોત થઈ ગયા છે.

તપાસમાં જોડાયેલા અધિકારી અને કર્મચારીઓની ઇન્કવાયરી કરવા આદેશ

જયપુરમાં 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટો માટે ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા ચાર લોકોને નિર્દોષ જાહેર કરતી વખતે રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય પોલીસની એટીએસની ભારે ટીકા કરી હતી અને ડીજીપીને પ્રક્રિયાની સમીક્ષા કરવા અને કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.જેઓ તપાસનો ભાગ હતા તેમની સામે પણ ઇન્કવાયરી શરૂ કરવામાં આવનાર છે જેનું મોનીટરીંગ મુખ્ય સચિવ કરશે.

ગુનાને સુસંગત પુરાવા તો હોવા જોઈએ કે નહીં!!: હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી

હાઇકોર્ટે આરોપીઓને નિર્દોષ છોડતા કહ્યું હતું કે, એક ખૂબ જ મોટી દુર્ઘટનામાં એટીએસ દ્વારા તપાસ પૂર્ણ કરી લેવા છતાં કોઈ જ નક્કર પુરાવા પણ રજૂ કરી શકાયા નથી. ત્યારે ફક્ત શંકાના આધારે કોઈને સજા કરી શકાય નહીં. એટીએસએ સચોટ અને નક્કર પુરાવા રજૂ કરવાની જરૂરિયાત હતી જેમાં કચાશ રાખવામાં આવી છે જે અતિ દુર્ભાગ્યપૂર્ણ બાબત ગણી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.