Abtak Media Google News

ઈડરની આઈડીએફસી ફર્સ્ટ બેંકના કર્મચારી અને અન્ય બે ઈસમોએ ભેગા મળી વિદ્યાર્થીઓને પ્રતિમા રૂપિયા 1000 મળતા હોવાની સરકારની સ્કીમ ચાલુ થઈ હોવા અંગે તથા વેલકમ ગિફ્ટ આપવાની લાલચ આપી બેંકમાં ખાતા ખોલાવી લાખોના ટ્રાન્જેક્શન કરી મહદંશે હવાલા કૌભાંડ ચલાવતા હોવાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે એક વિદ્યાર્થીના ખાતામાં 25 દિવસમાં 2042 જેટલા આઈએમપીએસ અને યુપીઆઈ ટ્રાન્જેક્શન કર્યા હતા જેમાં 73,18,448 જમા થઈને 72,69,647 રૂપિયા ઉપડી ગયા હતા સાઈબર ક્રાઈમ પોલીસે બેંકના કર્મચારી સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી સંભવિત હવાલા કૌભાંડની તપાસ આદરી છે.

સરકારની વેલકમ ગીફ્ટના નામે વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ મેળવી બેન્કમાં એકાઉન્ટ શરૂ કરી ત્રણ શખ્સોએ આચર્યું હવાલા કૌભાંડ: બેન્કના કર્મચારીની સંડોવણી

ઈડરના જવાનપુરામાં આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર મફતલાલ બારોટનો દીકરો હર્ષદીપ એકાદ મહિના અગાઉ ઈડર ભિલોડા ત્રણ રસ્તા પર આવેલ માનો વિસામો હોટલ પર ઉભો હતો ત્યારે વિશ્વજીતસિંહ ઉર્ફે સતીશ બાપુએ (રહે.વીરપુર,તા.ઈડર) હર્ષદીપ ને અજયસિંહ વિક્રમસિંહ ચંપાવત (રહે.વિરપુર) સાથે ઓળખાણ કરાવી હતી બંનેએ કહ્યું કે સરકારની એક સ્કીમ ચાલુ થઈ છે અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં સ્ટુડન્ટ ખાતું ખોલાવીશ તો દર મહિને 1000  મળશે તેમ કહેતા હર્ષદીપ તેમની વાતોમાં આવી જતા પોતાનું ખાતું ખોલાવવાનું જણાવતા બે એક કલાક પછી અજયસિંહ ચંપાવતે ફોન કરીને હર્ષદીપને પાનકાર્ડ અને આધારકાર્ડ લઈને આરાધના સ્કૂલ આગળ બોલાવ્યો હતો અને પાનકાર્ડ આધારકાર્ડનો ફોટો લઈ હર્ષદીપનો પણ ફોટો પાડી મૌલિકે બાયોમેટ્રિક મશીનમાં અંગૂઠાનું નિશાન પણ લઈ લીધું હતું તથા તમારી વેલકમ ગિફ્ટ તમારા ઘરે આવી જશે તેમ કહી બંને રવાના થઈ ગયા હતા

હર્ષદીપ ઘરે આવી તેના પિતાને વાત કરતા પિતાએ આવી કોઈ સ્કીમ ચાલતી ન હોવાનું જણાવી ખાતું બંધ કરવા કહ્યું હતું ત્યારે હર્ષદીપએ બીજા દિવસે બેંકમાં જઈ મૌલિક નાયકનો સંપર્ક કરી ખાતું બંધ કરાવવા જાણ કરતાં મૌલિક નાયકે હર્ષદીપની બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ લઈ કંઈ વાંધો નહીં ખાતું બંધ થઈ જશે કહી હર્ષદીપ ને રવાના કરી દીધો હતો દસેક દિવસ બાદ મોબાઈલ નંબર ઉપર આઈડીએફસી બેન્કના ખાતામાં રૂપિયા જમા ઉધાર થયાના સંખ્યાબંધ મેસેજ આવવાના શરૂ થતા બેંકમાં જઈ સ્ટેટમેન્ટ માગ્યું હતું પરંતુ મૌલિક નાયકે સ્ટેટમેન્ટ ન આપતા હર્ષદીપના પિતાએ ઘરે આવી તેમના દીકરાના મોબાઈલ પર બેંકની એપ ડાઉનલોડ કરી જોતા ખાતું 23 ઓગસ્ટે ચાલુ થયું હતું અને તેમાં કુલ રૂપિયા 73,18,448 જમા થયા હતા અને 72,69,647 ઉપડી ગયા હતા આ દરમિયાન 2042 આઈએમપીએસ અને યુપીઆઈથી ઓનલાઈન ટ્રાન્જેક્શન થયા હતા

બેંકની એપ્લિકેશનમાંથી પૂરું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી દીધા બાદ અને બેંકમાં એકાઉન્ટ બંધ કરવા ઈન્ટીમેશન આપેલ હોવા છતાં તા.16/09/023 ના રોજ ફરીથી મેસેજ આવતા  સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ બેંકમાં તપાસ કરવા જતા સંભવિત હવાલા કૌભાંડનો પર્દાફાશ થતા સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

બેંકકર્મી સામેલ હોવાથી કૌભાંડ થયું: પી.આઇ. રબારી

આ સમગ્ર મામલે સાઈબર ક્રાઈમ પી.આઈ એન.એન.રબારીએ જણાવ્યું હતું કે બેન્ક કર્મી સામેલ હોવાથી ખાતા નંબર અને પાસવર્ડ હાથવગા રહેતા આટલા ટ્રાન્જેક્શન શક્ય બન્યા છે અને મોબાઈલ નંબર પણ બદલી કાઢ્યો હોવાથી તમામ ટ્રાન્જેક્શનના મેસેજ આવ્યા નથી નહીં તો ઘણી વહેલી ખબર પડી ગઈ હોત અન્ય પાંચેક ગ્રાહકોએ પણ તેમની સાથે આવું થયાની જાણ કરી છે જેની તપાસ પણ હાથ ધરાઈ છે તપાસ પૂર્ણ થયે સ્પષ્ટતા થઈ જશે. તેમ જણાવી અજયસિંહ વિક્રમસિંહ ચંપાવત (રહે.વિરપુર તા.ઈડર), મૌલિક સંજયભાઈ નાયક (રહે.શ્રીનગર રોડ નં.5 ઈડર બેંકનો કર્મચારી), વિશ્ર્વજીતસિંહ ઉર્ફે સતીશ બાપુ (રહે.વીરપુર તા.ઈડર) સામે ફરિયાદ નોંધાઇ હોવાનું કહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.