Abtak Media Google News
  • સ્વામિનારાયણ ગુરુકુલના અમૃત મહોત્સવની તૈયારી માટે સ્થળ પર 30 સંતો, 800 સ્વયંસેવકો અને 300 કારીગરો કાર્યરત
  • ઘનશ્યામ મહારાજની 4000 કિલોની આરસપહાણની મૂર્તિ પધરાવાશે
  • 5000 એલ.ઇ.ડી. ઉપરાંત રંગબેરંગી લાઈટોથી સહજાનંદ નગર ઝળહળશે
  • દરરોજ સવાર સાંજ એક એક લાખ લોકો ભોજન લઈ શકે તેવી ભોજનશાળા અને રસોડું નિર્માણાધીન
  • પંદર કામ ચલાઉ વીજ જોડાણ : ભારે ક્ષમતાના 20 જનરેટર
  • 5000 કાર અને અન્ય નાના મોટા હજારો વાહનો રહી શકે તેવા પાર્કિંગ
  • સમાજના સર્વ વર્ગના સર્વ લોકોને ગમે તેવું ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન
  • પ્રદર્શન 10 ડિસેમ્બરથી : મુખ્ય મહોત્સવ તારીખ 22 થી 26 ડિસેમ્બર
  • ગુરુકુલ ર્ઝગમગશે :પાંચ દી માટે રોજ 1008 વાનગીઓનો અન્નકૂટ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનને 75 વર્ષે પૂરા થતા મવડી કણકોટ રોડ પર તારીખ 22 થી 26 સહજાનંદ નગરમાં અમૃત મહોત્સવ યોજાનાર છે. ગુરુકુલમાં જગ્યાની મર્યાદા હોવાથી મહોત્સવ શહેર બહાર રાખવામાં આવેલ છે. મહોત્સવના દિવસોમાં ગુરુકુલ ખાતે દરરોજ 108 વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવશે. દરરોજ વાનગીઓમાં તેમજ અન્નકૂટની ગોઠવણમાં ફેરફાર થતો રહેશે. વિદ્વાન ભૂદેવોના મુખેથી વેદના મંત્રો ગૂંજતા રહશે. હજારો લેમ્પની રોશનીથી સમગ્ર ગુરુકુલ સંકુલ શોભી ઉઠશે.

સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ 1948માં સ્થાપેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાનને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી રાજકોટની ધરતી પર મવડી કણકોટ રોડ પર તારીખ 22 થી 26 ડિસેમ્બર સુધી ઐતિહાસિક અમૃત મહોત્સવ યોજાનાર છે. મહોત્સવ સ્થળને સહજાનંદ નગર નામ આપવામાં આવ્યું છે . મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક થઈ મવડી ગામમાંથી અને રામધણ આશ્રમ પાસેથી તે બંને માર્ગથી મહોત્સવ સ્થળે જઈ શકાય છે.

Img 20221115 Wa0010

મવડી ચોકડીથી અઢી કિલોમીટર દૂર થાય છે. કાલાવડ રોડ પર મોટા મહુવા પહેલા ઝડુસ હોટલની બાજુના અંબિકા ટાઉનશીપવાળા રોડ થી પણ સહજાનંદ નગર જઈ શકાય છે. કાલાવડ રોડથી મહોત્સવ સ્થળનું અંતર ત્રણ કિલોમીટર જેટલું છે. મહોત્સવ સ્થળે રાત દિવસ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સમગ્ર મહોત્સવ 450 વીઘાથી વધુ જગ્યામાં થશે. જેમાં સભાખંડ , યજ્ઞશાળા , ભોજનશાળા, પ્રદર્શન , બાળ આનંદ મેળો, પાર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે. સત્સંગ સભા માટે 850 ડ્ઢ 300 ફૂટનો સમીયાણો અને 3000 ફૂટનુંસ્ટેજ નિર્માણાધીન છે.

એક સાથે 25000 ખુરશીઓ મૂકવામાં આવશે . જરૂરિયાત મુજબ સમિયાણાનું વિસ્તરણ કરી બેઠક વ્યવસ્થા વધારી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે. મંચ પરનો કાર્યક્રમ સરળતાથી જોઈ શકાય તે માટે 14 ડ્ઢ 24 ફૂટના 10 એલઈડી પડદા રાખવામાં આવશે.

સમીયાણામાં અને સમગ્ર મહોત્સવ સ્થળે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવશે . 200 વોલ્ટ વાળી 5,000 એલઈડી તેમજ 1500 પાલ લાઈટ અને 50 સારપી લાઈટથી સહજાનંદ નગર ઝળહળી ઉઠશે. 400 ટન એસી અને 4000 પંખાની વ્યવસ્થા કરવામાં આવશે . 24 ફૂટના પાંખડાવાળા વિશિષ્ટ પ્રકારના હેલીકોપ્ટર 25 પંખા વાતાવરણમાં ઠંડક આપશે. 90 કિલો વોટના 15 કામ ચલાઉ વીજ જોડાણ માંગવામાં આવ્યા છે. વીજ પુરવઠો ખોરવાઈ જાય તો પણ કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે 125 કે.વી.ના 20 જનરેટર ઉપલબ્ધ રાખવામાં આવશે. દરરોજ બપોરે અને સાંજે એક એક લાખ માણસો ભોજન લઈ શકે તેવી વિશાળ ભોજનશાળા તૈયાર થઈ રહી છે.

સહજાનંદ નગરના મુખ્ય આકર્ષણ સમાન મુખ્ય પ્રવેશ દ્વારનું સ્વરૂપ હિમાલય જેવું રહેશે. તે ફાઇબર અને પી.ઓ.પી. થી તૈયાર થાય છે. તેની પહોળાઈ 175 ફૂટ અને ઊંચાઈ 75 ફૂટની રહેશે. ગુરુકુલના સ્થાપક શ્રી શાસ્ત્રીજી મહારાજ પોતાના વિચરણ વખતે હિમાલય ગયેલા. ત્યાં ઋષિ પરંપરા પ્રમાણે બાળકોને ભણતા જોઈ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગુરુકુલ સ્થાપવાની પ્રેરણા મળેલી. તે વખતે તેમણે રોપેલ બીજ આજે ઘટાટોપ વૃક્ષ બની દેશ-વિદેશના લોકોને મીઠા ફળ આપી રહ્યું છે.

Img 20221115 Wa0011

મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ કર્યા બાદ મુલાકાતીઓને તુરંત વિરાટ કળશમાં ભગવાનના દર્શન થશે. તેની બાજુમાં જ યજ્ઞશાળા , બગીચો ,  ફુવારો વગેરે તૈયાર થાય છે. તારીખ 10 ડિસેમ્બરથી મુખ્ય પ્રવેશ દ્વારની સામેના મેદાનમાં જ્ઞાન-વિજ્ઞાનની અજાયબી સમાન પ્રદર્શનનો પ્રારંભ થશે . હાલ સ્થળ પર 30 સંતોની રાહબરીમાં બંગાળ અને અન્ય પ્રાંતના 300 કારીગરો અને 800 સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે . મહોત્સવના દિવસો તારીખ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન 8000 સ્વયંસેવક ભાઈઓ તથા બહેનો ખડે પગે રહેશે. ભક્તો માટે નજીકની ઇમારતોના ફ્લેટ તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી છે. મહોત્સવ સ્થળ આસપાસ 5000 ફોરવીલર અને 10,000 થી વધુ ટુ-વ્હીલર્સ તથા અન્ય નાના મોટા વાહનો રાખી શકાય તેવો પાર્કિંગ પ્રબંધ કરવામાં આવશે. સ્થળ પર શૌચાલય , પ્રાથમિક સારવાર સહિતની જરૂરી વ્યવસ્થા રાખવામાં આવશે.

મહોત્સવને અનુલક્ષીને ઘનશ્યામ મહારાજની 4000 કિલો વજનની આરસપહાણની પ્રતિમા તૈયાર થઈ રહી છે. તે મહોત્સવ સ્થળે પાંચ દિવસ માટે પધરાવવામાં આવશે. આ મૂર્તિનો નિત્ય સવારે પુષ્પ પાંખડીથી અભિષેક તથા રાજોપચાર પૂજન થશે. જન્માષ્ટમીના દિવસે મહોત્સવ સ્થળે ભૂમિ પૂજન થયા બાદ કામગીરી અવિરત ચાલુ છે.  આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ , ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ રૂડા આશીર્વાદ પાઠવ્યા છે . શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર પાંચ દિવસ દરમિયાન સત્સંગ સભામાં પારાયણ , બાળકો, યુવાનો , વડીલો , મહિલાઓ, બાલિકાઓ , ખેડૂતો, ડોકટરો, વગેરે માટે મંચ , મહા અભિષેક , અન્નકૂટ, 75 કુંડી શ્રીઘરયાગ , અખંડ ધૂન વગેરે કાર્યક્રમો યોજાશે. સહજાનંદ નગરમાં 13 ડિસેમ્બરે 75 બ્રાહ્મણ બટુકોને સમૂહ જનોઈ અને બીજા દિવસે તારીખ 14 મીએ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે.. સમગ્ર આયોજન માટે સંસ્થાના સંતોના સંગે અને ભક્તિના રંગે હજારો હરિભક્તો હૈયા ઉમંગે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.