Abtak Media Google News

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સંગઠને હુમલાની લીધી જવાબદારી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી એક મોટા સમાચાર છે. અહીં આતંકવાદીઓ સામે ચાલી રહેલા અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારીઓ – એક કર્નલ અને એક મેજર અને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી એસપી શહીદ થયા છે. બંને સૈન્ય અધિકારીઓ રાષ્ટ્રીય રાઈફલ્સનો હિસ્સો હતા.

અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી એસપી હુમાયુ ભટ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમનું અવસાન થયુ છે. તેમણે કહ્યું કે ભટ્ટનું મૃત્યુ અતિશય રક્તસ્રાવને કારણે થયું હતું.

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓનું આ એ જ જૂથ છે જેણે 4 ઓગસ્ટના રોજ કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારમાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરના ગાડોલે વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારે સાંજે શરૂ થયું હતું, પરંતુ રાત્રે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે સવારે જ્યારે આતંકીઓ એક જગ્યાએ દેખાયા હોવાની સુચના મળી ત્યારબાદ ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. સેનાના કર્નલ પોતાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેમણે આતંકીઓ પર હુમલો કર્યો. જોકે, આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન મેજર આશિષ અને ડીએસપી ભટને પણ ગોળી વાગી હતી જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જીઓસી 15 કોર્પ્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહ સહિત વરિષ્ઠ સેના અને પોલીસ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.