Abtak Media Google News

દેશભરની અદાલતોને ડિજિટલ બનાવી પારદર્શકતા તરફ મજબૂત પગલું ભરાશે

કેન્દ્રીય કેબિનેટે ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. જે યોજના હેઠળ કોર્ટની કાર્યવાહી અને નિર્ણયો વગેરે ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે. કેબિનેટ ત્રીજા તબક્કામાં 7210 કરોડ રૂપિયાનું ભંડોળ મંજુર કર્યું છે. મિશનના પ્રથમ બે તબક્કામાં 18 હજારથી વધુ કોર્ટમાં કામ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવ્યું છે અને આ અદાલતોને હાર્ડવેર, નેટવર્ક કનેક્ટિવિટી આપવામાં આવી છે. ઈ-કોર્ટ મિશન રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજના હેઠળ કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે અમલમાં છે.

મિશનના ત્રીજા તબક્કાનો ઉદ્દેશ ઓનલાઈન અને પેપરલેસ કોર્ટની સ્થાપના કરવાનો છે. જેના કારણે નાગરિકો માટે ન્યાયતંત્રને સરળ, સસ્તું, વિશ્વસનીય અને પારદર્શક બનાવી શકાય છે. આ યોજના હેઠળ દરેકને કોર્ટમાં ઇ-ફાઇલિંગ અને ઇ-પેમેન્ટની સિસ્ટમ પૂરી પાડવામાં આવશે અને રેકોર્ડ ડિજિટલાઇઝ કરવામાં આવશે.

આ સાથે ક્લાઉડ સ્ટોરેજની પણ વ્યવસ્થા કરવામાં આવશે જેમાં કેસના રેકોર્ડ, સોફ્ટવેર એપ્લિકેશન, ઈલેક્ટ્રોનિક પુરાવા અને લાઈવ સ્ટ્રીમિંગ ડેટા સ્ટોર કરવામાં આવશે. તેમજ તમામ કોર્ટ સંકુલોમાં કુલ 4400 ઈ-સેવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમને વિસ્તૃત કરવામાં આવશે અને લાઈવ કોર્ટરૂમ સ્ટ્રીમિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે કોર્ટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં 4 વર્ષના ગાળામાં કુલ 7210 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સંપત્તિની દેખરેખ માટે ભારત સરકાર, હાઈકોર્ટ અને રાજ્ય સરકારો વચ્ચે કરાર કરવામાં આવશે.

એવી અપેક્ષા છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પેન્ડિંગ કેસોને જલ્દી ઉકેલવામાં મદદ મળશે. તેનાથી કોર્ટના કામમાં ઝડપ આવશે. હાલમાં અદાલતો પડતર કેસોના ભારણ સાથે સંઘર્ષ કરી રહી છે જેના કારણે ઘણા કેસોના નિર્ણયો વર્ષોથી અટવાયેલા છે. ટેક્નોલોજીની મદદથી કેસનો ઝડપી નિકાલ થવાથી લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ પણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.