Abtak Media Google News

હાઇકોર્ટની આકરી ટકોર બાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર દિવસથી ઢોર પકડવાની કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે. શહેરીજનોને રખડતાં-ભટકતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે 36 કરોડની ખાસ ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરી ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ મારફત સરકારમાં રજૂ કરવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાસ ગ્રાન્ટની માંગણી કરવા દરખાસ્ત કરાશે: શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: 24 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે રખડતાં ઢોરના ત્રાસ ઘટાડવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી સતત ચાલુ રહે તે માટે રાજ્ય સરકાર પાસે રૂ.36.60 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવશે. જેમાં કોર્પોરેશન હસ્તકના ઢોર ડબ્બા ખાતે રહેતા પશુઓના નિભાવણી ખર્ચ અને આનુંષગીક સેવાઓ માટે રૂ.13 કરોડ, એનિમલ હોસ્ટેલ બનાવવા માટે રૂ.14.70 કરોડ, પશુઓની નિભાવણી સહિતના અન્ય ખર્ચ માટે રૂ.390 કરોડ અને ઘાસચારા તથા ઢોર ડબ્બાનું સંચાલન કરતી સંસ્થાઓને ગ્રાન્ટ ચૂકવવા માટે 5 કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે.

આગામી શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 24 દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. જેમાં ઢોર પકડ પાર્ટીના ઉપયોગ માટે રૂ.18.77 કરોડના ખર્ચે નવું હાઇડ્રોલીક વાહન ખરીદવા, સ્વતંત્રતા પર્વની ઉજવણી, હર ઘર તિરંગા, તિરંગા યાત્રા, મારી માટી મારો દેશ કાર્યક્રમમાં થયેલો રૂ.79 કરોડનો ખર્ચ, ફાયર બ્રિગેડ શાખાના ઉપયોગ માટે રૂ.88.41 લાખના ખર્ચે ત્રણ નંગ 12 હજાર લીટર ક્ષમતા વોટર બ્રાઉઝર ખરીદવા, ઇલેક્ટ્રીક બસના લોકાર્પણ વેળાએ થયેલા રૂ.63 કરોડના ખર્ચને મંજૂરી આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

કરકસર: કોર્પોરેશનના કાર્યક્રમોમાં મહેમાનોને માત્ર ફૂલ અને રૂમાલ આપી આવકારાશે

કોર્પોરેશનના અલગ-અલગ કાર્યક્રમોમાં મહેમાનોને પુસ્તક ભેટ આપવામાં આવતી હતી. જેનો ખર્ચ મોટા પ્રમાણમાં આવતો હોવાના કારણે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર નવી પદ્વતિ અમલમાં લાવી રહ્યા છે. જેમાં ખોટા ખર્ચા બંધ કરી દેવામાં આવશે અને શક્ય તેટલી કરકસર કરવામાં આવશે. હવેથી કોર્પોરેશનના એકપણ કાર્યક્રમમાં પુસ્તકની ભેટ આપવામાં આવશે નહિં. માત્ર એક ફૂલ અને સાદો ખાદીનો રૂમાલ આપી મહેમાનોનું અભિવાદન કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.