Abtak Media Google News
  • 86 વર્ષીય નિવૃત શિક્ષિકા કંચનબેન અને 66 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ મીરાબેન કહે છે, “મતદાન તો સૌએ કરવું જ જોઈએ”

ભારતમાં હાલ લોકતંત્રનું મહાપર્વ એટલે કે “લોકસભા સામાન્ય ચૂંટણી-2024″ ચાલી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનું બે તબક્કાઓમાં મતદાન થઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લામાં આગામી તા.07 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે તેને ધ્યાને લઈને હાલ 10- રાજકોટ સંસદીય મતવિસ્તારમાં હોમ વોટીંગની પ્રક્રિયા ચાલી રહી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુના વૃદ્ધો અને 40 પ્રતિશતથી વધુની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને ઘરે બેઠા વોટીંગ કરવાની સુવિધા આપવામાં આવી છે, જે અંતર્ગત રાજકોટ સંસદીય મતવિસ્તારમાં હોમ વોટીંગ ચાલી રહ્યું છે.

Advertisement

રાજકોટ શહેર પૂર્વ વિધાનસભા વિસ્તારના હોમવોટર્સના વોટીંગ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં 42 મતદારોએ ઘરે બેઠા મતદાન કરી પવિત્ર મતદાનની ફરજ નિભાવી હતી. રાજકોટ પૂર્વના રેલનગર વિસ્તારના જન્મથી જ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ 66 વર્ષીય  અને ગુરુ હરચીદેવી સાહિબની ગુરુગાદી સંભાળતા મીરાબેન સાહિબ એટલે કે શ્રી મીરાબેન અડવાણીએ પ્રથમ વખત હોમ વોટીંગ કરતા કહ્યું હતું કે, 50 વર્ષથી રાજકોટ ખાતે અમે ગુરુ નાનક સંપ્રદાયની ગુરુગાદી સંભાળીએ છીએ. ગુરુ સાહેબના ઉત્સવમાં પણ જઈએ તો પણ ક્યારેય મતદાન કરવાનું ચૂક્યા નથી. દરેક ચૂંટણીમાં બુથ પર જઈને મતદાન કર્યું છે. આ વર્ષે શારીરિક તકલીફો હોવાથી ગુરુદ્વારા ખાતેથી જ મતદાન કરતાં મીરાબેન સાહિબે અન્ય મતદારોને પ્રેરણા આપતા અપીલ કરી હતી કે,મતદાન સૌએ કરવું જોઈએ અને અચૂક કરવું જ જોઈએ.”

86 વર્ષીય નિવૃત શિક્ષીકા શ્રી કંચનબેન કનૈયાલાલ દવેએ કહ્યું હતું કે, ભારતીય બંધારણે આપણને આપેલા મતાધિકારનો ઉપયોગ કરવો એટલે ભારતીય સંવિધાનનું સન્માન કરવું. અત્યાર સુધી બુથ પર જઇને મતદાન કરતી હતી. શારીરિક નબળાઈના કારણે પ્રથમ વખત ઘરેથી મતદાન કર્યું છે. આપણે બધાયે અચુક મતદાન કરવું જોઈએ, મતદાન આપણી ફરજ છે. તો, તદ્દન પથારીવશ એવા 86 વર્ષના વાધવાણીએ અનેક શારીરિક તકલીફ સાથે પણ મતદાન કર્યું હતું. વિભિન્ન તકલીફ સાથે પણ વડીલો અને દિવ્યાંગો ઉત્સાહભેર મતદાનની નૈતિક અને આદર્શ ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આ મતદારોએ અન્ય મતદારોને પ્રેરણા આપી 7મી મે ના રોજ મતદાન કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.