Abtak Media Google News

ભારતમાં કોર્પોરેટ સેક્ટરનું રોકાણ આકર્ષવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. સરકાર તેમજ એની ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી ઇન્વેસ્ટ ઈન્ડિયા ભારતની તેમ જ વિદેશની ૩૦૦ જેટલી કંપનીઓ સાથે ભારતમાં રોકાણ કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે. આ કંપનીઓ ૬૨ અબજ ડોલર એટલે કે રૂ. ૪ લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કરશે. આ રોકાણ દ્વારા ૧૭ લાખ કરતાં વધારે જોબ્સનું નિર્માણ થશે.

જે કંપનીઓ સાથે ભારતમાં રોકાણ માટે વાતચીત ચાલી રહી છે. એમાં ચીનની કંપનીઓનો હિસ્સો સૌથી વધારે ૫૦ ટકા જેટલો હશે. આ કંપનીઓ ૩૨ અબજ ડોલર જેટલું રોકાણ કરવાનો પ્લાન ધરાવે છે. ચીનની કંપનીઓ ભારતમાં રોકાણ કરે તો ચીનથી થતી આયાતમાં ઘટાડો થઈ શકે તેમ જ દેશમાં રોજગારીમાં વધારો થાય. ચીનની કંપની સાની વિન્ડ પાવર સેકટરમાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાનો પ્લાન ધરાવે છે. દાલિયન વાન્ડા ગ્રૂપ રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના ધરાવે છે. આ ગ્રૂપ હરિયાણા સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ઓટો મોબાઈલ ક્ષેત્રની કંપની એસએઆઈસી જનરલ મોટર્સનો ગુજરાતમાં હાલોલ ખાતેનો પ્લાન્ટ ટેકઓવર કરવાનો પ્લાન ધરાવે છે. આ ઉપરાંત ચીનની લિફાન મોટર્સ અને ફોસૂન ફાર્મા ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માગે છે. ૭૦ જેટલા પ્રોજેક્ટ્સમાં ત્રણ અબજ ડોલરના રોકાણ માટે ફાઈનલ નિર્ણય લેવાઈ ગયો છે. આ રોકાણને પગલે ત્રણ લાખ જેટલી રોજગારીનું નિર્માણ થશે.

ચીન તેમ જ વિશ્વના અન્ય દેશોની કંપનીઓને ભારત રોકાણ માટે આકર્ષક જણાય છે એનું મુખ્ય કારણ ચીનમાં સ્લોડાઊનની સ્થિતિ છે. ચીન કરતા ભારતના અર્થતંત્રનો વૃદ્ધિદર વધારે છે. વિશ્વસ્તરે જીડીપીનો સૌથી વધારે ગ્રોથરેટ ભારતનો છે. આ ઉપરાંત ભારતમાં સ્થાનિક બજાર વિશાળ છે. તેમ જ ભારતમાંથી સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં મોટાપાયે નિકાસ કરી શકાય છે.જે ૩૦૦ જેટલી કંપનીઓ સાથે રોકાણ માટે વાતચીત ચાલી રહી છે એમાંથી કયા કયા સેક્ટરની કેટલી કંપનીઓ છે એની વિગત જોઈએ. ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ૪૭ કંપનીઓ, ડિફેન્સની ૨૨, ઓટો સેક્ટરની ૨૧, ફૂડ પ્રોસેસિંગની ૨૧ અને રિન્યુએબલ એનર્જીની ૨૧ કંપનીઓનો સમાવેશ થાય છે.

ભારતની ૭૧ કંપનીઓ, અમેરિકાની ૩૩, ચીનની ૩૦, યુ.કે.ની ૧૭ અને ફ્રાંસની ૧૫ કંપનીઓનો સમાવેશ થાય છે.

૩૦૦ જેટલી કંપનીઓ ૬૨ અબજ ડોલરનું રોકાણ કરવાનો અંદાજ છે. એમાંથી વિવિધ સેક્ટર્સમાં કેટલું ઈન્વેસ્ટમેન્ટ આવશે એની વિગત જોઈએ. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૨૦ અબજ ડોલર, રિન્યુએબલ એનર્જીમાં ૧૨ અબજ, હેલ્થકેરમાં પાંચ અબજ, રિટેલમાં પાંચ અબજ અને ઓટો સેક્ટરમાં ૪ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે. ચીનની કંપનીઓ સૌથી વધુ ૩૨ અબજ ડોલરનું રોકાણ કરશે. અમેરિકાની કંપનીઓ ૭ અબજ, યુ.કે.ની ચાર અબજ, યુએઈની ચાર અબજ અને ભારતની કંપનીઓ બે અબજ ડોલરનું રોકાણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.