Abtak Media Google News

Screenshot 3 22 માળીયા હાટીનામાં સાડા ત્રણ, કેશોદમાં 3 ઇંચ, મેંદરડામાં અઢી ઇંચ, ખાંભામાં બે ઇંચ, સૌરાષ્ટ્રમાં સિઝનનો 65 ટકા વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજા વિરામ લેવાનું નામ લેતા નથી. સતત અઢાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ઉપલેટામાં પાંચ ઇંચ, વિસાવદરમાં સાડા ચાર ઇંચ અને માળીયા હાટીનામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે. આજે વરસાદનું જોર ઘટશે. દરમિયાન આવતીકાલથી ફરી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં સતત અઢાર દિવસથી સતત વરસાદના કારણે હવે લીલા દુષ્કાળની ભીતી ઉભી થવા પામી છે. જગતાત હવે મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે.

Screenshot 4 18

સાંબરકાંઠાના ઇડર તાલુકામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાલોદમાં સાડા પાંચ ઇંચ, લુણાવાડામાં પાંચ ઇંચ, વિરપુરમાં પાંચ ઇંચ, સાંતલપુરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ધનસુરામાં સાડા ચાર ઇંચ, વિસાવદરમાં સાડા ચાર ઇંચ, દાંતામાં ચાર ઇંચ, વિસનગરમાં ચાર ઇંચ, ડોલવાણમાં ચાર ઇંચ, વિજાપુરમાં ચાર ઇંચ, પ્રાંતિજમાં ચાર ઇંચ, ખેરાલુમાં ચાર ઇંચ, વઘઇ, ઉમરપાડા, હિંમતનગર, ચિખલી, બાયડ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજ્યના 107 તાલુકાઓમાં એકથી લઇ છ ઇંચ વરસાદ પડ્યો હતો.

કચ્છમાં ગઇકાલે મેઘવિરામ રહ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. આજે સૌરાષ્ટ્રમાં મેઘવિરામ રહેશે. દરમિયાન આવતીકાલથી ફરી રાજ્યમાં ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળી રહ્યો છે.

કાલથી ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઇ રહી છે. હવામાન વિભાગે એક દિવસ વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે પરંતુ વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. 12થી 15 જુલાઇ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની વકી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11મી જુલાઇએ રાજ્યમાંથી વરસાદ એક દિવસ માટે વરસાદનું જોર ઘટવાની વકી છે.

આમ છતા કેટલાક ભાગમાં હળવો વરસાદ રહી શકે છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદ થઈ શકે છે. 12મી જુલાઈએ ફરી ભારે વરસાદની સંભાવના છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગનો સમાવેશ થાય છે. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. 13 જુલાઈએ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. 14મી જુલાઈએ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે.

સૌરાષ્ટ્રમાં 65 ટકા વરસાદ: 7 તાલુકામાં 100 ટકા વરસી ગયો

ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, જામનગર, ભેંસાણ, મેંદરડા અને વિસાવદરમાં વરસ પાકી ગયું

સૌરાષ્ટ્રમાં છેલ્લા 18 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે આજ સુધીમાં સિઝનનો 64.89 ટકા વરસાદ વરસી ગયો છે. સાત તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 48.61 ટકા, રાજકોટ જીલ્લામાં 71.62 ટકા, મોરબી જિલ્લામાં 52.06 ટકા, જામનગર જિલ્લામાં 71.07 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 60.47 ટકા, પોરબંદર જિલ્લામાં 59.22 ટકા, જુનાગટ જિલ્લાના 87.80 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 68.57 ટકા, અમરેલી જિલ્લામાં 57.40 ટકા, ભાવનગર જિલ્લામાં 48.31 ટકા, અને બોટાદ જીલ્લામાં 63.22 ટકા વરસાદ વરસી ગયો છે.સાત તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ પડયો છે ધોરાજીમાં 100 ટકા, જામકંડોરણામાં 111 ટકા, ઉપલેટામાં 108 ટકા, જામનગરમાં 113 ટકા, ભેંસાણમાં 1ર0 ટકા, મેંદરડામાં 116 ટકા અને વિસાવદર તાલુકામાં 110 ટકા વરસાદ પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.