Abtak Media Google News

આજથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે જેને લઇ હવામાં દબાણ થતા વરસાદ આવવાની શક્યતા:નવરાત્રિમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ

સમગ્ર રાજ્યમાં હાલ વરસાદે જાણે હાથતાળી આપીને ગાયબ થઇ ગયો હોય તેવી પરિસ્થિતિ છે. બે-ત્રણ દિવસ વરસાદ થયા બાદ મેઘરાજા ફરીથી ગુમ થઇ ગયા છે. જ્યોતિષ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે, હાલ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેની અસરને કારણે ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 16થી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. નોંધનીય છે કે, વરસાદ ન થતા તાપમાન સતત વધી રહ્યું છે ઉપરાંત ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો બફારાથી બેહાલ બન્યા છે.

12 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમા ઉભું થતા  14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે જ આજથી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે,

જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદ પડી શકે છે. સોમવારથી જ બંગાળની ખાડીમાં અસ્થિરતા સર્જાવવાનું ચાલુ થયું છે. આ અસ્થિરતાને આવનારા દિવસોમાં યોગ્ય હવામાન મળવાને કારણે લો પ્રેશરમાં પરિવર્તિત થશે. જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ લો પ્રેશર 16મી સપ્ટેમ્બરની આસપાસ મધ્ય પ્રદેશ પર આવશે અને એક મજબૂત ટ્રફ બનશે. જેના કારણે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદો થાય તેવી શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.

આ ઉપરાંતના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વર્ગનો વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ચોમાસું હજી ઘણું લાંબુ ચાલવાનું છે. એટલે 22મી સપ્ટેમ્બર પછી પણ અનેકવાર વરસાદ પડશે. જેનાથી ચોમાસું પાકને જે પાણીની જરૂર છે તે તો પૂરી થશે સાથે ઉનાળું અને શિયાળું પીયત કરી શકે તેટલી વ્યવસ્થા થઇ જાય તેવી શક્યતાઓ છે.જે વિસ્તારો વરસાદથી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વંચિત રહ્યા છે અને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેઓને સંતોષ થશે. ડેમમાં નવા પાણીની આવક થશે. કૂવા અને બોરનાં તળ જે નીચા ગયા છે તે ફરીથી ભરાશે અને નવા પાણી આવશે.27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાત કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.  ઓક્ટોબરમાં હવાના હળવા દબાણના કારણે વાવાઝોડા થઈ શકે છે. 17 ઓક્ટોબરે સમુદ્રમાં ભારે પવન ફૂકાશે અને નવરાત્રિમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ છે.

ભચાઉમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપ

એકબાજુ વરસાદ ખેંચાયો છે અને બીજી બાજુ કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે આજે વહેલી સવારે 5:47 કલાકે કચ્છના ભચાઉથી 15 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જો કે આંચકો સામાન્ય હોય કોઈ જાનહાની સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.