Abtak Media Google News

મેઘરાજાનો ઇન્તજાર હજી લંબાશે

લાંબા મોનસુન બ્રેકના કારણે જગતાત ચિંતાતુર: વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ મેઘરાજા રિઝશે નહીં

લાંબા મોનસુન પિરિયડના કારણે હવ મોલાતને મેઘકૃપાની તાતી જરૂરીયાત છે. જુલાઇમાં અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ ઓગષ્ટમાં મહેર વરસાવવામાં ભારે કંજુસાઇ રાખી છે. સપ્ટેમ્બર માસમાં પણ રાજયમાં ઓગસ્ટની ઘટ પૂર્ણ થઇ જાય તેવી કોઇ જ શકયતા દેખાતી નથી. રાજયમાં હજી એક સપ્તાહ સુધી સાર્વત્રિક કે ભારે વરસાદની કોઇ જ સંભાવના નથી. મોલાતને બચાવવા માટે રાજય સરકાર દ્વારા પણ ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાના નીર અને બે કલાક વધુ વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો હવે એકાદ સપ્તાહમાં વરસાદ નહી પડે તો પાક નિષ્ફળ જવાની પણ ભારોભાર ભીતી દેખાય રહી છે.

ગુજરાતમાં જુન માસમાં મહાવિનાશક બિપરજોય વાવાઝોડુ ત્રાટકયુ હતું જેની અસર તમે પ્રથમ રાઉન્ડમાં જ સારો વરસાદ વરસી ગયો હતો. દરમિયાન જુલાઇ માસમાં પણ મેઘાએ અનરાધાર હેત વરસાવ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ ના મોટાભાગના જળાશયો છલકાય ગયા હતા. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષ લીલા દુષ્કાળ પડશે જુલાઇ માસમાં જગતાત બે હાથ જોડીને મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યા હતા. દરમિયાન ઓગષ્ટ માસ 1રર વર્ષના ઇતિહાસમાં સૌથી સુકો રહ્યો હતો. જુન માસમાં રાજયમાં સરેરાશ 242.96 મીમી વરસાદ પડયો હતો જયારે જુલાઇ માસમાં સરેરાશ 448.73 મીમી વરસાદ વરસ્યો હતો. ઓગસ્ટ માસમાં માત્ર 25.29 મીમી વરસાદ વરસ્યો હતો. લાંબા મોનસુન બ્રેકના કારણે હવે સ્થિતિ ચિંતાજનક બની છે. મોલાત સુકાવા લાગી છે ખેડુતો પાણી પીવડાવ્યા લાગ્યા છે.

રાજયમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 84.79 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 136.19 ટકા વરસાદ પડયો છે. જયારે સૌરાષ્ટ્રમાં 110.10 ટકા, ઉતર ગુજરાતમાં 67.96 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 66.17 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 73.59 ટકા વરસાદ પડયો હતો.દરમિયાન રાજયમાં હાલ સાર્વત્રિક અને ભારે વરસાદ પડે તેવી એકપણ સિસ્ટમ સક્રિય નથી આગામી એક સપ્તાહ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદ પડવાની સંભાવના ખુબ જ નહિવત છે વાંદળછોળુ વાતાવરણ રહેશે પરંતુ આકાશમાંથી મેઘાનું હેત વરસશે નહી. છેલ્લા સવા મહિનાથી મેઘરાજાએ વિરામ લઇ લીધો હોવાના કારણે ખેડુતોની હાલત કફોડી બની જવા પામી છે. ખેતરોમાં ઉભેલા પાકને બચાવ ખેડુતો સિંચાઇ તરફ વળ્યા છે.

પ્રથમ બે રાઉન્ડમાં પહેલા સારા વરસાદના કારણે રાજયભરમાં પીવાના પાણીની કોઇ જ સમસ્યા હાલ નથી પરંતુ ખેતી માટે પાણીની ખુબ જ આવશ્યકતા છે.વરસાદ ખેંચાવાની સ્થિતિમાં રાજય સરકાર દ્વારા પણ રાજયના 14 જિલ્લાઓમાં ખેડુતોને આઠ ને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથો સાથે અનેક વિસ્તારોમાં સિંચાઇ માટે નર્મદાના પાણી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વહેલી સવારે ભચાઉમાં 2.1ની તિવ્રતાનો ભૂકંપ

એકબાજુ વરસાદ ખેંચાયો છે અને બીજીબાજુ રાજ્યમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. ત્યારે છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કુલ ચાર ભૂકંપના આંચકા આવ્યા છે. આજે સવારે 8:35 વાગ્યે કચ્છના ભચાઉથી 12 કિમી દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ગઈકાલે બપોરે 2:28 કલાકે ઉનામાં 1.7, 4:28 વાગ્યે ભચાઉમાં 2.1 અને રાતે 10:35 વાગ્યે રાપરમાં 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.