Abtak Media Google News

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જીલામાં 80% કામો પ્રગતિ હેઠળ

સુજલામ સુફલામ જળ અભિયાન, અમૃત સરોવરો તથા હીટ વેવ અંગે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી વીડિયો કોન્ફરન્સ

સુજલામ સુફલામ જળ અભિયાન, અમૃત સરોવરો તથા હીટ વેવ અંગે રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓ માટે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જોડાઈને જિલ્લાની જળ સંચયની કામગીરી અંગેની માહિતી રજૂ કરી હતી.

કલેકટરે રાજકોટ જિલ્લામાં સિંચાઇ, પાણી પુરવઠા,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તળાવો ઊંડા કરવા, જળાશયોનું રીપેરીંગ, ટાંકીઓ અને નહેરોની સાફસફાઇ, તળાવોના પાળા અને ખેત તલાવડીની મરામત જેવા કામગીરીને સમીક્ષા કરીને આવશ્યક સૂચનો આપ્યા હતા. તેમજ દરેક વિભાગ હેઠળ થયેલી રોજિંદી કામગીરીના અહેવાલ રજૂ કરવા તેમજ ઇ-સરકાર પોર્ટલ ઉપર દરરોજ ડેટા અપડેટ કરવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 80% કામો પ્રગતિ હેઠળ તથા અમૃત સરોવરોની 57% કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે કલેકટર અરુણ મહેશ બાબુએ ચોમાસાની ઋતુ અગાઉ જળ સંરક્ષણની કામગીરી સમયમર્યાદામાં પૂરી કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટર કે. બી. ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંત વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એસ. ઠુમ્મર, સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર પ્રેક્ષા ગોસ્વામી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિક્ષક અંકિત ગોહેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.