Abtak Media Google News

2.5 મીટર ઉંચાઇ, 4-4 મીટરના બે ગાળા, 18 મીટર લંબાઇ ધરાવતો અન્ડરપાસ બનશે

ટ્રાફિક સમસ્યા હળવી બને તે માટે  મહપાલિકાના પદાધિકારીઓ સતત પ્રયત્નશીલ છે. આ માટે રેલવે ટ્રેક સુધીના એપ્રોચ રોડ પર વધુ એક અન્ડરપાસ બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા સઘન પ્રયાસોના ભાગરૂપે  રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ મળેલ હતી.જેમાં સાંસદ  મોહનભાઈ કુંડારીયા, મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. અનિલકુમાર જૈન, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, ડે.કમિશ્નર આશિષ કુમાર, રેલ્વેના સિનીયર ડિવિઝનલ એન્જીનીયર ઇન્દ્રજીતસિંહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્જીનીયર એચ.એમ. કોટક, એચ.યુ. દોઢિયા તેમજ રેલ્વે વિભાગના સબંધક સ્ટાફ હાજર રહયાં હતા.

Advertisement

મીટીંગમાં અન્ય મુદ્દાઓની સાથે શહેરની ટ્રાફિકની સરળતા માટે હયાત એસ્ટ્રોન નાલાની બાજુમાં ડો. હોમી દસ્તુર માર્ગ સામે નવું નાલુ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે, તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવેલ. આ બાબતે બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઇ પટેલ દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવી રહ્યુ હતુ. સાંસદની મધ્યસ્થીથી રેલવે વિભાગ દ્વારા પ્રાથમિક મંજુરી મંજૂરી મળેલ છે.

આ અંગે વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઇ પટેલ તથા બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે,  મહાપાલિકા દ્વારા આ અંગેનુ આયોજન કરી પ્રાથમિક મંજુરી માટે ગત 4 માર્ચના રોજ રેલવે વિભાગની મંજુરી માંગવામાં આવી હતી. જરૂરી પ્રશ્નોની ચર્ચા અને સંકલન માટે  બંન્ને વિભાગોની સંયુક્ત મીટિંગ મળી હતી. ત્યારબાદ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી રેલવે વિભાગ દ્વારા ઉક્ત પ્રોજેક્ટને પ્રાથમિક મંજુરી મળી ગયેલ છે, જેમાં રૂ.ર.8 કરોડની અંદાજીત ખર્ચની રકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગને ચુકવવાની રહેશે.

આ કામ અંતર્ગત 2.5 મીટર ઉંચાઇ, 4-4 મીટરના બે ગાળા અને 18 મીટર લંબાઇ ધરાવતો અન્ડરપાસ એ.વી.પી.ટી. દિવાલ દસ્તુર માર્ગની સામે હયાત એસ્ટ્રોન નાલા પાસે બનાવવામાં આવશે, સાથોસાથ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજની હોસ્ટેલ તરફની દિવાલ કાઢી, રસ્તો પણ પહોળો કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે. આગામી દિવસોમાં રેલ્વે દ્વારા હોમિ દસ્તુર માર્ગની સામે એસ્ટ્રોનના નાલા પાસે વધુ એક અંડર પાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

હાલ એસ્ટ્રોન ચોકનું નાલુ માત્ર સિંગલ-વેનું છે જયારે હોમી દસ્તુર પાસે નિર્માણ પામનાર અંડર પાસ ટુ-વે બનાવવામાં આવશે જેમાં ચાર-ચાર મીટરના બે ગાળા રાખવામાં આવશે જેની લંબાઈ 18 મીટરની રહેશે. ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અન્ય રાજમાર્ગો પર આવા બ્લોક આધારીત અંડરપાસ બનાવવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.