Abtak Media Google News

ભારતમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ સોશિયલ મીડિયામાં એક્ટિવ :  પ્રતિ દિવસ સરેરાશ  2 કલાક 26 મિનિટ સોશિયલ મીડિયાનો વપરાશ : યુઝર સરેરાશ 6 પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે

વિશ્વનાં પાંચ અબજ લોકો એટલે કે 60 ટકાથી વધુ વસતિ સોશિયલ મિડીયા પર સક્રિય છે. આપણી આસપાસ ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે જે સોશિયલ મિડીયાનો ઉપયોગ ન કરતું હોય.ગયા વર્ષની સરખામણીમાં 3.7 ટકાનો વધારો થયો છે. વિશ્વમાં દર સેકન્ડે  સરેરાશ 5.5 નવા યુઝરનો ઉમેરો થાય છે. ડિજિટલ એડવાઇઝરી ફર્મ કેપિઓસની ટીમે કરેલા ડિટેલ એનાલિસિસ પ્રમાણે જુલાઇ 2023માં વિશ્વમાં 519 કરોડ લોકો સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, જે વિશ્વની કુલ વસ્તીના 60 ટકા થાય છે. જો કે પ્રદેશ પ્રમાણે યુઝર્સની સંખ્યામાં મોટો તફાવત છે. પૂર્વ અને મધ્ય આફ્રિકામાં 11 વ્યક્તિ દીઠ માત્ર એક જ વ્યક્તિ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે, જ્યારે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયેલા ભારતમાં ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ સોશિયલ મિડીયા પર સક્રિય છે. એટલે કે દેશનાં 33 ટકા લોકો સોશિયલ મિડીયાનો કોઇને કોઇ રીતે ઉપયોગ કરે છે.

સોશિયલ મિડીયા પર યુઝર દ્વારા પસાર કરવામાં આવતા સમયમાં બે મિનીટનો વધારો થઈને પ્રતિ દિવસ 2 કલાક 26 મિનિટ થયો છે. અહીં પણ પ્રદેશ પ્રમાણે ભારે અસંતુલન છે. બ્રાઝિલના નાગરિકો સોશિયલ મીડિયા પર દરરોજ ત્રણ કલાક 49 મિનિટનો સમય ગાળે છે, જ્યારે જાપાનના લોકો એક કલાકથી પણ ઓછા સમય માટે સોશિયલ મિડીયા પર હોય છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે 10માંથી 9 ઇન્ટરનેટ યુઝર હવે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે.

સોશિયલ મિડીયા યુઝર સરેરાશ 6.7 પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. વ્યક્તિ દરરોજ 7થી 8 કલાક ઊંઘ લે તેવું માની લઇએ તો લેટેસ્ટ આંકડા એવું સૂચવે છે કે લોકો જાગતા હોય તેનો 15 ટકા સમય સોશિયલ મિડીયા પર પસાર કરે છે. સમગ્ર વિશ્વનાં લોકો એક દિવસમાં સોશિયલ મિડીયા પર જે સમય પસાર કરે છે તેનો કુલ સમય 1200 કરોડ કલાક થાય છે, જે માનવ અસ્તિત્વનાં 13.5 લાખ વર્ષ થાય. સરેરાશ સોશિયલ મિડીયા યુઝર સાત પ્લેટફોર્મ પર હોય છે. લોકોની ફેવરીટ સોશિયલ મિડીયા એપમાંથી ત્રણ એપ-વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની માલિકી મેટા પાસે છે. ચીનમાં ત્રણ એપ્સ ચાલે છે- વીચેટ, ટિક ટોક અને તેનં લોકલ વર્ઝન ડોઇન. ટોપ સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં ટ્વિટર, મેસેન્જર અને ટેલિગ્રામનો સમાવેશ થાય છે.

બીજી તરફ ઇલોન મસ્કની માલિકીનું ટ્વિટર હવે વેરિફાઇડ કંપનીઓ માટે ટોપ જોસ્ટ જોબ લિસ્ટિંગ ફીચર શરૂ કરી રહ્યું છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ કેટલાંક વેરિફાઇડ એકાઉન્ટ્સ માટે આ ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે. જોબ લિસ્ટિંગ કંપનીનાં એકાઉન્ટનાં બાયો સેક્શનમાં મૂકવામાં આવશે. જોબ પોસ્ટિંગ સંભવિત ઉમેદવારને તેમની પસંદગીની કંપની વેબસાઇટ પર લઇ જશે જ્યાં તેને પોઝિશન અંગેની વધુ વિગતો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.