Abtak Media Google News

ઘઉં, ચણા, રાઈ ઘાસચારો, શાકભાજી, અજમાના પાક ઉપર ખેડુતોની પસંદગી

સુરેન્દ્રનગર  જિલ્લામાં અને તાલુકા મથકોએ માગશર મહીનાના આ દિવસોમાં ઝાલાવાડ પંથકમાં ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, આગામી દિવસોમાં અને પોષ મહીનામાં શિયાળાની ઠંડી જામવાની શકયતા છે ઝાલાવાડના ખેડુતોએ ઋતુના આ મિજાજને પારખી વિવિધ પાકનું વાવેતર શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં ખેડુતોએ અંદાજે 1,20,824 હેકટરમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર કર્યુ હોવાનું જાણવા મળેલ છે.

1670303067528

આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, ઝાલાવાડના ખેડુેતોએ શિયાળાના પ્રારંભ સાથે જ રવિ પાકના વાવેતરની શરૂઆત કરી દીધી હતી. જીલ્લાની કુલ 6,24,546 હેકટર ખેડવાણ લાયક જમીન પૈકી અત્યાર સુધીમાં 1,20,824 હેકટરમાં વિવિધ રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં 18736 હેકટરમાં પિયત અને બિનપિયત ઘઉંનુ વાવેતર કરાયુ છે. 22686 હેકટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યુ છે 4210 હેકટરમાં રાઈ, 19769 હેકટરમાં જીરૂ અને 25905 હેકટરમાં ધાણાનું વાવેતર કરવામાં આવ્યુ છે. 17278 હેકટર જમીનમાં ખેડુતોએ વરીયાળીનુ અને 9050 હેકટરમાં ઘાસચારાનું વાવેતર કર્યુ છે આ ઉપરાંત 2119 હેકટરમાં શાકભાજી અને 418 હેકટરમાં અજમાનું વાવેતર કરવામાં આવેલ છે. શિયાળુ પાકનું સૌથી વધુ વાવેતર ધ્રાંગધ્રા તાલુકામાં 53860 હેકટરમાં થયુ છે. જ્યારે સૌથી ઓછુ વાવેતર થાનગઢ તાલુકામા 1431 હેકટરમાં થયુ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધીમાં જીલ્લાનું કુલ 19.35 ટકા વાવેતર થયુ છે. આગામી દિવસોમાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે.

જિલ્લામાં 11થી 15 ડિસેમ્બર સુધી વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી જિલ્લાના 650થી વધુ ગામડામાં ખેતી કરીને અનેક પરિવાર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. નર્મદાના નીર આવવા છતા ખેડૂતો અનેક કુદરતી આફતો સામે લડી રહ્યા છે. જેમાં ખેડૂતોને જ નુકસાની ભોગવવાનો વારો આવે છે. આવા સમયે અત્યારે જિલ્લામાં 1.20 લાખથી વધુ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને જિરુ,ચણા, ઘઉં અને વરિયાળી સહિતના પાકનો સમાવેશ થાય છે.

શિયાળુ પાકમાં સારી આવક થવાની આશાએ ખેડૂત ખેતરમાં પરસેવો પાડી રહ્યો છે તેવા સમયે હવામાન ખાતાએ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં આગામી સમયમાં લો પ્રેસર સર્જાશે. જેની અસર અરબ સાગરમાં પણ જોવા મળશે. જેને લઇને ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં 11 થી 15 ડિસેમ્બર સુધીમાં છૂટોછવાયો વરસાદ પડવાની સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.

 સૌથી વધુ જિરુ, કપાસને નુકસાન થઇ શકે છે

હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી કરાઈ છે તેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જો વરસાદ પડે તો જીરૂના પાકને સૌથી વધુ નુકસાન થઇ શકે તેમ છે. કારણ કે વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધી શકે છે. હજુ જે ખેડૂતોના ખેતરમાં કપાસ વીણવાનો બાકી છે તે કપાસને પણ નુકસાન થવાની શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.