Abtak Media Google News

ટ્રસ્ટ આયોજીત ભાગવત કથાની પુર્ણાહુતિ પૂર્વે આયોજકો રૂ. 9 લાખ ચુકવ્યા વિના જતા રહ્યા

કથાનું રસપાન કરાવતા શાસ્ત્રીજી અને રસોયાને વ્યવસ્થાપક નવ લાખ વસુલ કરવા બંધક બનાવ્યા

જામનગરના એક ટ્રસ્ટે કથાનું આયોજન કર્યું અને રુા. 9 લાખ જેટલું ચૂકવણું બાકી રાખીને પોબારા ભણી જતાં કથાનું રસપાન કરાવનાર સહિત અનેક લોકો ફસાયા: વિડીયો વાયરલ થતાં જામનગરમાં ફેલાયો ચકચાર: કુલ 1ર લાખનો ખર્ચ થયો: આર્થિક મદદ માટે અપીલ કરતા વિડીયોમાં ફૂટ્યો ભાંડો

Advertisement

અવનવા ચીટીંગના અનેક કિસ્સાઓ બની રહ્યા છે, ગોલમાલ કરનારાઓની કોઇ કમી રહી નથી, ઓનલાઇન ચીટીંગથી લઇને ઓફલાઇનમાં પણ ચીટરો કળા કરી રહ્યા છે, પરંતુ હવે તો ધાર્મિક આયોજનોમાં પણ ચીટીંગ થવાની શરુઆત થઇ ગઇ છે. આવો જ એક ચોંકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હરિદ્વાર ખાતે જામનગરના એક ટ્રસ્ટ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યા બાદ રુા. 9 લાખ જેવી રકમ ચૂકવ્યા વગર ચૂપચાપ આયોજકોએ ચાલતી પકડી લીધાનું સામે આવ્યું છે અને આ સમગ્ર ઘટનાને પર્દાફાશ કરતો વિડીયો મેસેજ વાયરલ થયો છે, જેનાથી એવું સ્પષ્ટ થાય છે કે પૈસા નહીં ચૂકવવાના વાંકે કથાકાર સહિતના કેટલાક જામનગરવાસીઓ હરિદ્વારમાં બંદી જેવી સ્થિતિમાં આવી ગયા છે, નજરકેદ થયા છે,

ફસાયેલા લોકોએ પોતાને મદદ આપવા અપીલ કરી છે. વિગતો મુજબ જામનગરના એક ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં હરિદ્વારમાં અવધૂત મંડળ આશ્રમમાં ભાગવત કથાનું આયોજન કરાયું હતું. જે કથા પૂર્ણ થતાં જ વહેલી સવારના કથા આયોજક ટ્રસ્ટીઓ નાણા ચુકવ્યા વિના ફરાર થઈ જતાં ભારે દોડધામ થઈ છે. ભાગવત કથા વાંચનાર આચાર્ય તથા રસોયા સહિતના કેટલાક જામનગર વાસીઓ નાણા વગર ત્યાં ફસાયા છે, અને આર્થિક મદદ ની અપીલ કરી રહ્યા છે, તથા કથા સ્થળના વ્યવસ્થાપકો દ્વારા પૈસા ચૂકવવા વિના જવાની ના પાડતાં જામનગર થી મદદ માંગવામાં આવ્યા નો વિડીયો શહેરમાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

જામનગરના એક ટ્રસ્ટ દ્વારા હરિદ્વાર માં કથા નું આયોજન કરાયું હતું, અને અનેક જામનગર વાસીઓ સહિતના લોકો ભાગવત સપ્તાહમાં જોડાયા હતા. જે નો અંદાજીત 12 લાખ રૂપિયા નો ખર્ચ થયો હતો.

ભાગવત સપ્તાહ પૂર્ણ થયા પછી નવ લાખ જેટલી રકમ ચૂકવવાની બાકી હતી, પરંતુ કથા નું આયોજન કરનાર ટ્રસ્ટના સંચાલકો વહેલી સવારે એકાએક ગાયબ થઈ જતાં કથાકાર તથા રસોઈયા સહિતના અન્ય જામનગર વાસીઓ મૂંઝવણમાં મુકાયા છે.

કથા સ્થળ ના વ્યવસ્થાપકો દ્વારા તમામ નાણાં ચૂકવ્યા પછી જવા માટેનો આગ્રહ કર્યો છે, અને ત્યાં સુધી તમામ જામનગરવાસીઓને નજરકેદ કરી ને રખાયા છે.

જેથી કથાકાર દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી વિડીયો વાયરલ કરી આર્થિક મદદની અપીલ કરી છે. જે વિડીયો જામનગરમાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

કથા વક્તા આચાર્ય રુપેશભાઇ પુરોહિત દ્વારા ર01ર થી હરિદ્વાર ખાતે કથાના અનેક આયોજનો કરવામાં આવ્યા છે અને એમનો જ વિડીયો વાયરલ થયો છે, જેમાં આખેઆખી ઘટના દર્શાવવામાં આવી છે અને મદદની અપીલ કરાઇ છે.

જે ટ્રસ્ટ દ્વારા હરિદ્વાર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, એ તમામ ટ્રસ્ટીમંડળના નામ પણ રુપેશભાઇ પુરોહિત દ્વારા વહેતા કરાયેલા વિડીયોમાં એમના મુખેથી સાંભળવા મળ્યા છે. એમણે કહ્યું છે કે, તા. ર1 મેથી તા.ર7 સુધી ભાગવત કથાનું આયોજન કરાયું હતું.

રુપેશભાઇએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, કથાના આયોજકો દ્વારા યાત્રિકો, ભૂદેવો, રસોડા સ્ટાફ, અન્ય સ્ટાફ, સંગીતના સ્ટાફના પૈસા ચૂકવ્યા વગર કથા પૂરી થયાના બીજા દિવસે વ્હેલી સવારે હરિદ્વારથી પોબારા ભણી જવામાં આવ્યા છે, પરિણામે તેઓ બધા અહીં ફસાઇ ગયા છે.

આ પ્રકરણ સંબંધે પોલીસ ફરિયાદ થાય છે કે કેમ ? અને જો થાય છે તો એ ફરિયાદ હરિદ્વારમાં નોંધાય છે કે પછી જામનગરમાં નોંધાશે એ બાબત હાલ અનઉત્તર છે, પરંતુ કથા જેવા ધાર્મિક આયોજનમાં પણ ધૂંબા મારવાનું આ પ્રકરણ એક વિડીયો મેસેજ મારફત સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.