Abtak Media Google News

15 દિવસ સતત વિવાદોના વંટોળ વચ્ચે ધેરાયેલો રહેતા શ્રાવણી લોકમેળાની મ્યુનિ. કમિશનરે લીધી મુલાકાત

જામનગરમાં ઓગસ્ટના મધ્યમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો યોજવા માટે હિલચાલ શરૂ થયા પછી  આ લોકમેળો અંદાજે 15 દિવસ સતત વિવાદોના વંટળ વચ્ચે ઘેરાયેલ રહેલ બાદ શુક્રવારે બપોરે કમિશ્ર્નરે પ્રથમ વખત મેળાની મુલાકાત લીધી હતી અને મેળાનુ ઢંગધડા વિનાનુ આયોજન જોઇ અધિકારીઓ ઉપર ગુસ્સે થયા હતા અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને તેમજ સિકયુરિટી વિભાગના અધિકારીઓને તતડાવ્યા હતા તેમજ મેળાની અંદર જે લોકોએ ગેરકાયદેસર રીતે ધંધાકીય પથારાઓ કરીને મેળામાં દબાણ કર્યું હતું. તે તમામ ધંધાર્થીઓને ઘઘલાવ્યા હતા અને બપોરે પોણા ચારથી સાડા ચારની વચ્ચે માત્ર 45 મીનિટનો સમય આપીને તમામ દબાણો ખૂલ્લા કરવા આદેશ આપતાં કોર્પોરેશનની એસ્ટેટ શાખા અને સિકયુરીટી શાખામાં સોપો પડી ગયો હતો.

કોર્પોરેશન દ્વારા ઓગસ્ટ મહીનાના મધ્યભાગમાં એવી જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી હતી કે 21/8 થી 14/9 સુધી લોકમેળો આયોજીત કરવામાં આવશે. જે તે સમયે કોર્પોરેશને આ માટેના ટેન્ડરો બહાર પાડ્યા ત્યારે પણ બબાલ થઇ હતી. અમુક પ્લોટના રિટેન્ડર પણ કરવા પડ્યા હતાં. આ ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનમાં મેળાના ધંધાર્થીઓ વચ્ચે ડખ્ખા અને જાહેરમાં બોલાચાલી પણ થઇ હતી. કોર્પોરેશનની કચેરીમાં મેળાના ધંધાર્થીઓએ અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતાં. દરમિયાન ટેન્ડર પ્રક્રિયા જેમ તેમ પૂર્ણ કરીને કોર્પોરેશને મેળાની રૂપિયા 3 કરોડની ટેન્ડર આવક ગજવામાં એટલે કે કોર્પોરેશનની તિજોરીમાં જમા કરી લીધી.

દબાણો ખુલ્લા કરવા આદેશ અપાતા કોર્પોરેશનની એસ્ટેટ – સિકયુરીટી શાખામાં સોંપી પડી ગયો

ત્યાર પછીના તબકકામાં ઘણાં બધા દિવસો સુધી એસડીએમ કચેરી દ્વારા મેળાના ધંધાર્થીઓને પરર્ફોમન્સ લાઇસન્સ આપવામાં આવ્યા ન હતાં. તેમાં પણ ઘણાં બધા દિવસો વિતી ગયા હતાં. તે દરમિયાન કોર્પોરેશને દોઢ ડહાપણ વાપરીને મેળો ચાલુ થયા પહેલાં અને મેળાના ધંધાર્થીઓને પરફોર્મન્સ લાઇસન્સ અપાયા પહેલાં સત્તાવાર રીતે મેળાના ઉદ્દઘાટનની મહાનુભાવોના નામ સાથેની અખબારી યાદી પણ જાહેર કરી દીધી હતી. પરંતુ ઘણા દિવસો સુધી એસડીએમ કચેરી દ્વારા ધંધાર્થીઓને પરફોર્મન્સ લાઇસન્સ ઇસ્યુ થયા ન હતાં તેથી મેળો શરૂ ન થવાના કારણે લોકોમાં નારાજગી હતી. શ્રાવણ મહીનાનો પ્રથમ સોમવાર પણ છોટીકાશીના નગરજનોએ મેળા વિના પસાર કરવો પડયો હતો. ત્યાર પછી માત્ર ફોર્માલીટી ખાતર કોર્પોરેશન દ્વારા મેળાનું ઉદ્દઘાટન સાવ નિરસ રીતે કરવામાં આવ્યું હતું.

તે પછીના તબકકામાં મેળો ગોઠવાયો અને શરૂ થયો પરંતુ અંદરખાને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી હતી છતાં કશું બહાર આવતું ન હતું. તે દરમિયાન ગુરૂવારે સાંજે મેળામાં મહીલાઓ માટે બનાવવામાં આવેલા યુરિનલ માટેના હંગામી બ્લોકમાં કોઇએ તોડફોડ કરી હતી. અને આ બ્લોકના મંડપના માલ સામાનને પણ ફાડી તોડી નાંખ્યો હતો અને માલ સામાન આ શખ્સો ઉપાડી પણ ગયા હતાં. તે દરમિયાન મેળામાં ફજેત ફાળકામાં બેઠેલા લોકોએ પોતાના મોબાઇલ મારફત આ આખી ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. જે વાઇરલ થતાં કોર્પોરેશનની આબરૂં વધુ એક વખત તાર તાર થઇ હતી. આ આખી ઘટના દરમિયાન સૌએ એ પ્રશ્ર્નની પણ ચર્ચા કરી કે, ત્રણ કરોડ રૂપિયા પોતાની તિજોરીમાં જમા કરી લેનાર કોર્પોરેશનની સિકયુરીટી શાખા મેળાને સલામતી શા માટે પુરી પાડી શકતી નથી ?!

તે દરમિયાન શુક્રવારે સવારે એવું જાહેર થયું કે, મેળામાં 15 થી 20 જેટલી નાની રાઇડ્સ કોઇએ ગેરકાયદેસર ગોઠવી દીધી છે! જેને પરિણામે મેળો માણવા આવતાં લોકોએ ગીરદીમાં ભયાનક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત એવું પણ જાહેર થયું હતું કે, 15-20 જેટલા રેકડી ધારકો પણ મેળાના મેદાનમાં ગેરકાયદેસર રીતે ગોઠવાઇ ગયા છે! આ પ્રકારના ગેરકાયદે ધંધાર્થીઓને કારણે મેળો બદનામ તો થયો સાથે-સાથે મેળામાં જતાં લોકોને પરેશાનીઓ સહન કરવી પડી.

આ આખી વાતની વિગતો કમિશ્ર્નર સુધી પહોંચી અને કમિશ્ર્નરે શુક્રવારે બપોરે લંચ લીધા પછી સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઓચીંતા જ મેળાની મુલાકાત લીધી તેઓએ જોયું કે, મેળો આડેધડ રીતે ગોઠવવામાં આવ્યો છે. એસ્ટેટ શાખાના અધિકારીઓએ યોગ્ય ફરજો બજાવી નથી. ગેરકાયદે ધંધો કરનારાઓએ મેળાને બાનમાં લીધો છે. આ બધી બાબતોની સાબીતીઓ કમિશ્ર્નરને મેળાના મેદાનમાંથી મળી જતાં બપોરે ધોમ તડકે આ મુલાકાત દરમિયાન કમિશ્ર્નરે એસ્ટેટ વિભાગના ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી એન.આર. દિક્ષીત અને સિકયુરીટી વિભાગના વડા સુનિલ ભાનુશાળી સહીતના અધિકારીઓ અને સમગ્ર એસ્ટેટ શાખાના સ્ટાફને તતડાવી નાંખ્યા હતાં. આ ઉપરાંત સફાઇ સહીતના મુદ્દે કમિશ્ર્નરે કાયદેસરના ધંધાર્થીઓને પણ ઘઘલાવી નાંખ્યા હતાં. આ ઉપરાંત મેળાની કિંમતી જમીન ગેરકાયદેસર રીતે અંકે કરી લેનાર માથાભારે ધંધાર્થીઓને કમિશ્ર્નરે બપોરે પોણા ચાર વાગ્યે સાફ શબ્દોમાં સંભળાવી દીધુ કે, સાડાચાર વાગ્યા સુધીમાં તમારા તમામ લબાચા ઉપાડી લેજો અને સાથે સાથે મુકેશ વરણવા સહીતના અધિકારીઓને કડક સુચના આપી દીધી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.