Abtak Media Google News

લોકોમાં દેશદાઝ પ્રગટાવતી

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત શહીદ વંદના સાથે સ્મણાંજલિ

વિવિધ બગીચા ચોકમાં સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહથી લઈને ડો.આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓથી વીરોનું ચિરંજીવ સ્મરણ

 યે દુનિયા હૈ ફાની ઔર ફાની રહેગી, ના જબ એક ભી જિંગદાની રહેગી, તો માટી સભી કી કહાની કહેગી, યે માટી સભી કી કહાની કહેગી.. – 1959માં આવેલી “નવરંગ” ફિલ્મનું આ ગીત માટીની મહત્તા દર્શાવે છે. હાલ આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા અને આઝાદીના લડવૈયાઓએ આપેલી શહીદીને સલામ કરીને અંજલિ આપવા કરવા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત શહીદોની વીરવંદના કરવામાં આવી રહી છે. દેશના આવા વીર સપૂતોનું લોકમાનસમાં કાયમી સ્મરણ રહે તે માટે રાજકોટ મહાનગરમાં વિવિધ મહાપુરુષો, શહીદો, વીરોની 26 જેટલી પ્રતિમાઓ વિવિધ બગીચા, ચાર રસ્તા વગેરે સ્થળો પર મુકવામાં આવેલી છે.

Advertisement

                રાજકોટના વિવિધ બગીચાઓમાં તથા ચોકમાં સ્વામી વિવેકાનંદજી, સુભાષચંદ્ર બોઝ, છત્રપતિ શિવાજી મહારાજ, રવિશંકર મહારાજ, મહાત્મા જ્યોતિબા ફૂલે, ડો. ભીમરાવ આંબેડકર, ક્રાંતીવીર મંગલપાંડે, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, શ્યામજીકૃષ્ણ વર્મા વગેરેની પ્રતિમાઓ મુકાઈ છે. તેનાથી લોકમાનસમાં તેમનું ચિરસ્થાયી સ્મરણ રહે છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં થયેલા સાકાર અનેકવિધ વિકાસપ્રકલ્પોને પણ આઝાદીના લડવૈયાઓ અને મહાપુરુષોના નામ આપીને તેમની સ્મૃતિને ચિરંજીવ રાખવામાં આવી છે. જેમ કે, લોકમાન્ય તિલક સ્નાનાગાર, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, વિવેકાનંદ સ્નાનાગાર, જીજાબાઈ સ્નાનાગાર વગેરે.

આ ઉપરાંત વિવિધ કોમ્યુનિટી હોલને ગુરુ ગોવિંદસિંઘ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, ગુરૂનાનક, રણછોડદાસજી મહારાજ, અવંતીબાઈ લોધી, મહારાણા પ્રતાપ વગેરે મહાનુભાવોના નામ આપવામાં આવ્યા છે. જ્યારે રેસકોર્સ ખાતે આવેલી જાણીતી આર્ટ ગેલેરીને શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી નામ આપવામાં આવેલું છે.

રાજકોટ શહેરમાં વીર સાવરકર વિદ્યાલય, મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલય, સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ, એકનાથ રાનડે વિદ્યાલય, મહાત્મા ગાંધી સ્કૂલ, ઝવેરચંદ મેઘાણી શાળા, લાલ બહાદુર શાસ્ત્રી શાળા પણ મહાનુભાવોની યાદ અપાવે છે.

આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ મહાનુભાવોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે, ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ જ એ હોય છે કે, એ મહાનુભાવો-વીર સપૂતો, આઝાદીના લડવૈયાઓનું આ સમાજમાં, આ દેશ માટે જે યોગદાન કે બલિદાન છે તેની કાયમ સ્મૃતિ લોકોને રહે. તેમાંથી લોકોને પ્રેરણા મળતી રહે તેમજ નાના બાળકો કે આવનારી પેઢી જ્યારે આ પ્રતિમા જુએ ત્યારે તેમના વિશે જાણે અને તેમાંથી પ્રેરણા મેળવે, તેમનામાં દેશદાઝ વધે.

આમ વિવિધ ચોક, બગીચાઓ તેમજ વિકાસ પ્રકલ્પોને મહાનુભાવો-શહીદોનું નામ આપીને, વીર શહીદો-સપૂતોને ચિર-અંજલી આપવાનો પ્રયાસ રાજકોટમાં કરવામાં આવ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.