Abtak Media Google News

અધિક કલેકટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શિવરાજસિંહ ખાચરે ગાંધીનગર જઈને રૂબરૂ દરખાસ્ત કરી

17 નવા મતદાન મથકો ઉમેરાશે, 29 ઘટશે જ્યારે 46ને મર્જ કરવામાં આવશે : હાલ જિલ્લામાં 2254 મતદાન મથકો છે તે 2224 થઈ જશે

રાજકોટ જિલ્લામાં મતદાન મથકોની વધ-ઘટ અને મર્જ અંગે અધિક કલેકટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શિવરાજસિંહ ખાચરે ગાંધીનગરમાં ચૂંટણી વિભાગને દરખાસ્ત કરી છે. જેથી હવે 29 જેટલા મતદાન મથકો ઘટવાના છે. હાલ જિલ્લામાં 2254 મતદાન મથકો છે તે 2224 થઈ જવાના છે.

મતદાનની પ્રક્રિયામાં મતદારો માટે અને ચૂંટણી લક્ષી વહીવટી કામગીરીમાં સરળતા રહે તેવા આશયથી મતદાન મથકો મર્જ કરવા અને જરૂર જણાય ત્યાં નવા મતદાન મથકો ઉભા કરવાની તૈયારી ચાલી રહી. હે. એક જ સંકુલમાં આવેલા મતદાન મથકો કે જયાં બે મતદાન બુથ હોય પણ મતદારોની સંખ્યા બન્ને મતદાન મથક પર ઓછી હોય તેવા મોટા ભાગના મતદાન મથકોને ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર મર્જ કરવામાં આવી રહ્યા છે.

આ કામગીરીમાં કોઇ મતદાન મથક પર 1500થી વઘુ મતદારો ન રહે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. તેમજ તમામ મતદાન મથકો પર મતદાન કરવામાં સરળતા રહે, મતદાન મથકનું બિલ્ડીંગ કે ઓરડો જર્જરિત થયો હોય કે નવું મતદાન મથક બનાવવાની જરૂરિયાત ઉભી થઇ હોય તેવી અનેક બાબતોને ગાઇડલાઇન અનુસાર ઘ્યાનમાં રાખવામાં આવી રહી છે.

બેઠકમાં મતદાન મથકો- મતદાન મથકોના સ્થળ અને સેકશન શિફ્ટ – મર્જ અંગે  તમામ આર.ઓ. દ્વારા આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. જે અનુસાર રાજકોટ જિલ્લામાં 17 મતદાન મથકો નવા બનાવવા, 29 મતદાન મથકો ઘટાડવા અને 46 મતદાન મથકોને મર્જ કરવાનો નિર્ણય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

જે સંદર્ભે મતદાન મથકોની યાદીને લઈને  અધિક જિલ્લા કલેકટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શિવરાજસિંહ ખાચર ચૂંટણી કમિશનરને આપવા ગાંધીનગર ગયા હતા. મતદાન મથકોમાં ફેરફાર અંગે તેઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત ચૂંટણી પંચ સુધી પહોંચશે. જેના ઉપર અંદાજે એકાદ મહિનામાં મંજૂરીની મહોર લાગે તેવી શકયતા છે. જો આ દરખાસ્ત મંજુર થાય તો અત્યારે શહેર જિલ્લામાં 2253 મતદાન મથક છે. તેમાં 29 મતદાન મથકો ઘટીને જિલ્લામાં કુલ મતદાન મથકોની સંખ્યા 2224 થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.