Abtak Media Google News

શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ચંપકનગરમાં આવેલા શિવ જ્વેલર્સમાં ત્રાટકી રૂ.85.50 લાખના સોનાના દાગીનાની લૂંટમાં પોલીસે હરિયાણાથી ચાર રાજસ્થાનીને ઝડપી લઇ લૂંટનો 62.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય લૂંટારુને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. પોલીસે આરોપી પાસ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું અને આજે વેપારી પાસે આરોપીઓની ઓળખ પરેડ કરાવવમાં આવી હતી.

Advertisement

શિવ જ્વેલર્સમાં ગત તા.26 ના બપોરે શો-રૂમના માલિક મોહનભાઇ વિરમભાઇ ડોડિયા પોતાના શો-રૂમે હતા ત્યારે ત્રણ શખ્સ ગ્રાહકના સ્વાંગમાં ઘૂસ્યા હતા અને વેપારી પર હુમલો કરી પિસ્ટલ બતાવી બંધક બનાવ્યા હતા અને રૂ.85.50 લાખના સોનાના દાગીના લૂંટી નાસી છૂટ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને બી ડિવિઝન પોલીસની ટીમે સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હરિયાણાના પલવલમાંથી અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ બ્રહ્માસીંગ સિકરવાર, શુભમ સોવરનસીંગ કુંતલ, સુરેન્દ્ર હમીરસીંગ જાટ અને બિકેશ કુમ્હેરસીંગ પરમારને ઝડપી લઇ રોકડા રૂ.94 હજાર તથા સોનાના દાગીના સહિત કુલ રૂ.62,37,841નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ચારેય લૂંટારુને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. રવિવારે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ મનોજ ઔસુરા સહિતની ટીમ લૂંટારુને લઇને ઘટનાસ્થળે પહોંચી હતી. શો-રૂમની બહાર કઇ જગ્યાએથી રેકી કરી હતી, શો-રૂમમાં પાંચ પૈકીના ક્યા ત્રણ લોકો ઘૂસ્યા હતા, અંદર ગયા બાદ વેપારી પર પહેલો હુમલો કોણે કર્યો હતો, વેપારીને પછાડી દઇ તેની છાતી પર કેવી રીતે બેઠા અને કોણે કોણે દાગીના થેલામાં ભર્યા અને કેવી રીતે વેપારીને તિજોરીમાં બંધ કરી કેવી રીતે ભાગ્યા સહિતની ઘટના તાજી કરાવી તેનું પંચનામું કર્યું હતું.

પીઆઇ ઔસુરાએ જણાવ્યું હતું કે, આજે લૂંટારુઓની વેપારી મોહનભાઇ પાસે ઓળખપરેડ કરાવવામાં આવી છે. લૂંટમાં સંડોવાયેલા અન્ય એક લૂંટારુ સતિષ સોવરનસીંગ ઠાકુરને પકડવા રાજકોટ પોલીસની એક ટુકડી હજુપણ હરિયાણા રાજસ્થાન ઘૂમી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.