Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકાઓમાં મેઘકૃપા: “ગુલાબ” વાવાઝોડાની અસર તળે ગુજરાતમાં મંગળવારે અને બુધવારે ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજ સુધીમાં 93.14 ટકા વરસાદ વરસી ગયો છે. ગુલાબ વાવાઝોડાની અસર, એક્ટિવ મોન્સૂન અને સાયક્લોનીક સરક્યુલેશનની અસરતળે આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 147 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

સવારથી રાજકોટ સહિત 14 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. આવતીકાલ અને બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આજ સુધીમાં સીઝનનો 83.51 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 87.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 68.31 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.26 ટકા સૌરાષ્ટ્રમાં 93.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.79 ટકા વરસાદ પડ્યો છે.

ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાઇ સપાટીથી 3.1 કિ.મી.ની ઉંચાઇ પર અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશમાં 4.5 કિ.મી. ઉચાર પર સજાયેલા સાયક્લોનીક સરક્યુલેશનની અસરના કારણે આજે વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ આવતીકાલે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જૂનાગઢ બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર જૂનાગઢ અને દ્વારકા ઉપરાંત કચ્છ જિલ્લામાં જ્યારે ગુરૂવારે કચ્છ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રવિવારે છોટા ઉદેપુરના ક્વાંટમાં સાડા પાંચ ઇચ, ડીસામાં પાંચ ઇચ, ડભોઇ-ઝાલોદમાં ત્રણ ઇચ, હાલોલ, દાંતીવાડીમાં અઢી ઇચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં ગઇકાલે એંકદરે મેઘવિરામ જેવો માહોલ રહ્યો હતો. માત્ર છૂટા છવાયો વરસાદ પડ્યો હતો. આજે સવારથી રાજકોટ સહિત રાજ્યના 14 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.