સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર ડેમ છલકુ-છલકુ

ડેમ ઓવર ફ્લો થવામાં માત્ર 0.10 ફૂટ છેટુ: આજે મધરાતે ભાદર છલકાય જાય તેવી સંભાવના

રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમ ઓવર ફ્લો થઇ ગયા બાદ હવે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર 99.53 ટકા ભરાય ગયો છે. આજે મધરાત સુધીમાં અથવા આવતીકાલે ડેમ ઓવર ફ્લો થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર માસમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા જળસંકટ હલ થઇ ગયું છે. મોટાભાગના જળાશયો છલકાય ગયા છે અને જે ડેમો નથી છલકાયા તેમાં પણ સંતોષકારક પાણીની આવક થવા પામી છે.

રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી, ન્યારી-1, ન્યારી-2 અને લાલપરી તળાવ છલકાય ગયા બાદ હવે ભાદર પણ ભડભાદર બનવા જઇ રહ્યો છે. ઉંડાઇની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો બીજા નંબર અને જળ સંગ્રહની દ્રષ્ટિએ પ્રથમ નંબરનો ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઇ ધરાવે છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમમાં નવું 0.26 ફૂટ પાણીની આવક થવા પામી છે. હાલ ડેમની સપાટી 33.90 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવર ફ્લો થવામાં માત્ર 0.10 ફૂટ જ બાકી રહ્યો છે. ડેમમાં કુલ 6644 એમસીએફટી પાણી સંગ્રહિત થાય છે.

હાલ ડેમમાં 6613 એમસીએફટી પાણી ભરાયું છે. હવે નવું 31 એમસીએફટી પાણીની આવક થતાની સાથે જ ભાદર ડેમ છલકાય જશે. ડેમમાં 29 દરવાજા છે. મહાપાલિકાના ઇજનેરી સૂત્રોના જણાવ્યાનુસાર આજે મધરાત સુધીમાં અથવા આવતીકાલ સવાર સુધીમાં ભાદર ડેમ ઓવર ફ્લો થઇ જશે. ભાદર ડેમમાંથી રાજકોટ, જેતપુર અને ગોંડલને પીવાનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત સિંચાઇનું પાણી પણ આપવામાં આવે છે.

રાજકોટને પાણી પુરૂં પાડતા તમામ જળાશયો છલકાય જતા હવે રાજકોટવાસીઓને 31મી માર્ચ સુધી પાણીની કોઇ જ હાડમારી વેઠવી નહી પડે. ભાદર ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.13 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.16 ફૂટ, ડેમી-2 માં 0.10 ફૂટ, ધી ડેમમાં 0.43 ફૂટ, શેઢા ભાડથરીમાં 0.33 મીણસારમાં 0.33 ફૂટ, વઢવાણ ભોગાવોમાં 0.53 ફૂટ, ફળકુમાં 1.15 ફૂટ પાણીની આવક થવા પામી છે.

આગામી 24 કલાકમાં ભાદર ડેમ ગમે ત્યારે ઓવર ફ્લો થઇ જશે અને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડશે. આવામાં હેઢવાસના ગામોના લોકોને નદીની પટમાં અવર-જવર નહી કરવા પણ સુચના આવી દેવામાં આવી છે.