Abtak Media Google News

બે દાયકામાં નોંધાયેલી 6,00,642 ફરિયાદોમાંથી 5,68,643 ફરિયાદોનું નિરાકરણ

વડા પ્રધાન  નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વાગત કાર્યક્રમ 2003 થી શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 20 વર્ષોમાં  94.67% ના સક્સેસ રેશિયો સાથે સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલ કુલ 6,00,642 ફરિયાદોમાંથી 5,68,643 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમે ગુજરાતમાં સુશાસનને પ્રોત્સાહિત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.

રાજ્યના સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદોની રજૂઆત સીધી જ મુખ્યમંત્રી સમક્ષ કરી શકે અને તેમની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરી શકાય, તેવા ઉમદા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત  – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) ની શરૂઆત કરી હતી.

દર મહિનાના ચોથા ગુરૂવારે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે, અને તેની સમીક્ષા કરીને તેનું નિરાકરણ લાવે છે.

છેલ્લા બે દાયકામાં, સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વાગત કાર્યક્રમ શરૂ થયા પછીથી ગુજરાતના સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન મળી રહ્યું છે.

ગુજરાત રાજ્યના આવા અનેક સામાન્ય નાગરિકોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમ દ્વારા સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.   વડાપ્રધાને કંડારેલી રાહ પરથી પ્રેરણા લઈને ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સ્વાગત કાર્યક્રમની બાગડોર સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ સ્વાગત કાર્યક્રમ મારફતે રાજ્યના નાગરિકોની ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર અને ક્લાસ વન ઓફિસર સમક્ષ નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરે છે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ દરેક મહિનાની 1થી 10 તારીખ દરમિયાન પોતાની અરજી તલાટી / મંત્રીને આપવાની રહે છે. આ અરજીઓને ત્યારબાદ તાલુકા સ્વાગતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને પછી તેમનો નિકાલ કરવામાં આવે છે.

આ ઉપરાંત, લોક ફરિયાદ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે, જેમાં નાગરિકો સ્વાગત યુનિટ પર પોતાની ફરિયાદની અરજીઓ ઓનલાઇન નોંધાવે છે અને ત્યારબાદ આ અરજીઓ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે. આ સાથે જ, વર્ષ 2021માં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા  રાઈટ ટુ સીએમઓ – સીએમઓને લખો)  ઓનલાઇન ગ્રીવાન્સ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ પોર્ટલ મારફતે નાગરિકો પોતાની ફરિયાદો સીધી મુખ્યમંત્રીને શેર કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.