Abtak Media Google News

નગરસેવકોને ૪ માસનું એરીયર્સ પણ ચુકવાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ૬૩માં જન્મદિવસે રાજયની ૮ મહાનગરપાલિકાઓના નગરસેવકોને પગાર વધારાની યાદગાર ભેટ આપી છે. નગર સેવકોના હયાત પગારમાં ૩૫૦ ટકા સુધીનો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. પગાર વધારાના કારણે રાજકોટવાસીઓ પર વાર્ષિક એક કરોડ રૂપિયાનો બોજ પડયો છે. આટલું જ નહીં પગાર વધારો ૧લી એપ્રિલ, ૨૦૧૮થી અમલમાં લાવવામાં આવ્યો હોય નગરસેવકોને ૪ માસનું એરીયર્સ પણ ચુકવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોને તા.૨ જુલાઈ ૧૯૧૫ થી માનદ વેતન પેટે રૂ.૩૦૦૦, મીટીંગ ભથ્થાના રૂ.૨૫૦ (એક માસમાં વધીને પાંચ મીટીંગ ભથ્થા મળે), ટેલીફોન ભથ્થાના રૂ.૭૫૦ અને સ્ટેશનરી ભથ્થાના રૂ.૫૦૦ સહિત માસિક એવરેજ ૫૦૦૦ જેવો પગાર ચુકવવામાં આવતો હતો. ૭૨ કોર્પોરેટરોને ભથ્થા ચુકવવાનો માસિક ખર્ચ રૂ.૩.૫૦ લાખ જેવો આવતો હતો અને વાર્ષિક ખર્ચ રૂ.૩૯ લાખ જેવો પામતો હતો. રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત મહાપાલિકાના નગરસેવકોના પગારમાં રાજય સરકાર દ્વારા તોતીંગ વધારો કરવામાં આવ્યો છે.

તા.૧/૪/૨૦૧૮થી અમલમાં આવે તે રીતે કોર્પોરેટરોને માનદ વેતન પેટે રૂ.૧૨ હજાર, મીટીંગ ભથ્થાના રૂ.૫૦૦ (એક માસમાં વધુમાં વધુ પાંચ મીટીંગ ભથ્થા), ટેલીફોન ભથ્થા રૂ.૧૦૦૦ અને સ્ટેશનરી ભથ્થા પેટે રૂ.૧૫૦૦ ચુકવવામાં આવશે. આમ ૭૨ કોર્પોરેટરોને વેતન અને ભથ્થા ચુકવણીનો માસિક ખર્ચ હવે રૂ.૧૧.૬૦ લાખ જેવો થશે અને વાર્ષિક રૂ.૧.૩૮ કરોડ જેવો થવા પામે છે. કોર્પોરેટરોના પગાર વધારાના કારણે રાજકોટવાસીઓ પર વાર્ષિક એક કરોડ રૂપિયાનો બોજ પડયો છે. આટલું જ નહીં પગાર વધારો ગત ૧લી એપ્રિલથી અમલમાં લાવી દેવામાં આવ્યો હોય તમામ ૭૨ કોર્પોરેટરોને આશરે ૫૦,૦૦૦ જેવું એરીયર્સ મળશે એટલે મહાપાલિકાની તિજોરી પર આશરે ૩૬ લાખ રૂપિયાનો બોજો વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.