Abtak Media Google News

રાજયના ૨૫૧ પૈકી ૨૩૩ જિલ્લાઓમાં વરસાદ કચ્છ પર અંતે અમીદ્રષ્ટિ કરતા મેઘરાજા

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરથી જગતાતને જીવમાં જીવ આવ્યો

સૌરાષ્ટ્ર પણ મેઘમલ્હાર રાજયમાં અનેક વિસ્તારોમાં સવારથી હેત વરસાવતા વરૂણદેવ

નૈઋત્યના ચોમાસાની સીઝનમાં પ્રથમ રાઉન્ડમાં અનરાધાર હેત વરસાવ્યા બાદ વરૂણદેવે લાંબો વિરામ લઈ લેતા રાજયમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. ખેતરોમાં ઉભો પાક રીતસર મુરઝાવા લાગતા જગતનો તાત ચિંતિત બની ગયો હતો. આવા સમયે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કરતા મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે અને દુષ્કાળની દહેશતથી ચિંતિત બનેલો માનવીના ચહેરા પર ફરી ખુશાલી વ્યાપી જવા પામી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયભરમાં સાર્વત્રિક મેઘમહેરથી સામાન્ય નાગરિકથી લઈ સરકારે પણ રાહત શ્ર્વાસ લીધો છે. આગામી બે દિવસ સુધી રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય આકાશ આફત સામે લડવા તંત્ર સજજ બની ગયું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓ પૈકી ૩૨ જિલ્લાના ૨૩૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના કપડવંજમાં પડયો હોવાનું નોંધાયું છે. ઓગસ્ટ માસ અડધો વિતી ગયા છતાં કચ્છમાં નોંધપાત્ર વરસાદ ન પડતા કચ્છીમાડુઓ રીતસર ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. શુક્રવારે વરૂણદેવે અંતે કચ્છ પર અમીદ્રષ્ટિ કરી છે. કચ્છમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ભચાઉમાં ૫૭ મીમી, ગાંધીધામમાં ૪૨ મીમી અને અંજારમાં ૨૨ મીમી જેટલો વરસાદ પડયો હતો. આ ઉપરાંત કચ્છના અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ અડધો ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

ઉતર ગુજરાતમાં પણ મેઘરાજાએ કાચુ સોનું વરસાવ્યું છે. ઉતર ગુજરાતના તમામ જિલ્લાઓમાં શ્રીકાર વર્ષા થવા પામી છે. પાટણ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ પોણો ઈંચ સુધી બનાસકાંઠા જિલ્લામાં અડધાથી ૩ ઈંચ સુધી, મહેસાણામાં અડધા ઈંચથી લઈ સાડા ત્રણ ઈંચ, સાબરકાંઠામાં ૧ ઈંચથી લઈ ૩ ઈંચ સુધી, અરવલ્લીમાં ૨ ઈંચ થી ૪ ઈંચ સુધી અને ગાંધીનગર જિલ્લામાં અઢી ઈંચથી લઈ સાડા ચાર ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ગઈકાલે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. અમદાવાદ જિલ્લામાં દોઢ ઈંચથી લઈ સાડા ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ખેડા જિલ્લામાં પોણા બે ઈંચથી લઈ ૬ ઈંચ સુધી, આણંદ જિલ્લામાં દોઢ ઈંચથી લઈ ૭ ઈંચ સુધી, વડોદરા જિલ્લામાં ૧ ઈંચથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી, છોટાઉદેપુર જિલ્લામાં અડધા ઈંચથી લઈ ૪ ઈંચ સુધી, પંચમહાલ જિલ્લામાં ૧ ઈંચથી લઈ સાડા પાંચ ઈંચ સુધી, મહિસાગર જિલ્લામાં પોણો ઈંચથી લઈ ૪ ઈંચ સુધી અને દાહોદ જિલ્લામાં ૧ ઈંચથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં પણ શુક્રવારે શ્રીકાર વર્ષા થવા પામી હતી. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાને બાદ કરતા અન્ય તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર અને સંતોષકારક વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં શુક્રવારે હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ શુક્રવારે મેઘરાજાને પાવનકારી પધરામણી થવા પામી હતી. ભરૂચ જિલ્લામાં ૧ ઈંચ થી સાડા ત્રણ ઈંચ સુધી, નર્મદા જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધી, તાપી જિલ્લામાં ૩ ઈંચ સુધી, સુરત જિલ્લામાં સાડા ઈંચ સુધી, નવસારી જિલ્લામાં ૧ ઈંચ સુધી, વલસાડ જિલ્લામાં ૧ ઈંચ સુધી અને ડાંગ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ અનરાધાર ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી રાજયમાં ૬૨.૦૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ રીઝીયનમાં ૧૬.૨૪ ટકા ઉતર ગુજરાત રીઝયનમાં ૩૪.૦૮ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૨.૪૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૪.૦૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૧.૨૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અત્તિભારે વરસાદની આગાહી

બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પડશે ભારે વરસાદ

મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં વેલમાર્ક લો-પ્રેશર સક્રિય છે સાથે-સાથે ઈસ્ટ રાજસ્થાનમાં પણ નવું લો-પ્રેશર બનતા આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર ઉપરાંત રાજયના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. દરમિયાન આવતીકાલે પણ મધ્ય થી ભારે વરસાદની સંભાવના રહેલી છે. સોમવારથી વરસાદનું જોર ઘટી જશે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત આસપાસ ૩ સિસ્ટમો સક્રિય છે. મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં વેલમાર્ક લો-પ્રેશર રાજસ્થાન અને મધ્ય પ્રદેશની બોર્ડર પર લો-પ્રેશર ઉપરાંત સાયકલોનીક સરકયુલેશન પણ સક્રિય હોવાના કારણે આજે રાજયના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત અને ભરૂચમાં ભારેથી અતિભારે જયારે સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને દિવમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં અમુક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

આવતીકાલે પણ રાજયમાં વરસાદનું જોર યથાવત રહેશે. કાલે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા અને સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના જણાઈ રહી છે. બીજી તરફ નવું એક લો-પ્રેશર બની રહ્યું હોય જેની અસરતળે આગામી દિવસોમાં રાજયોમાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.