છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોર અજીત જોગીને માયાવતીનો ટેકો

લોકસભા ચૂંટણીમાં એનડીએ સામે કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પક્ષોએ મોરચો માંડયો છે. આ મોરચો મહાગઠબંધન તરીકે ઓળખાવવા લાગ્યો છે. પરંતુ મહાગઠબંધનની સત્તાવાર રચના પહેલા જ કાંગરા ખરવા લાગ્યા છે. છત્તીસગઢમાં કોંગ્રેસના બળવાખોર અજીત જોગીને ટેકો આપવાની જાહેરાત બસપાના સુપ્રીમો માયાવતીએ કરતાની સાથે જ વિવાદ વકર્યો છે.

મહાગઠબંધનમાં સમાવિષ્ટ પક્ષો પૈકી બસપા મહત્વનો માનવામાં આવે છે. તાજેતરમાં જ માયાવતીએ સન્માનજનક બેઠકોની માંગણી કરી હતી. જો કે હજુ મહાગઠબંધનમાં રહેશે અને કોની બાદબાકી થશે તે મુદ્દો બાકી છે. ત્યારે માયાવતીએ છત્તીસગઢ કોંગ્રેસના બળવાખોર અજીત જોગીને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ ચૂંટણી માટે પોતાના બાવન ઉમેદવારોની યાદી પણ જાહેર કરી કોંગ્રેસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે.

છત્તીસગઢમાં કોંગ્રેસ એકલા હાથે લડવા જઈ રહી છે જો કે વિરોધ પક્ષમાં છત્તીસગઢના નેતા અજીત જોગીને ટેકો બસપા આપશે અને અજીત જોગીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર પણ કરી દીધા છે. બહુજન સમાજ પાર્ટી છત્તીસગઢમાં કોંગ્રેસના બળવાખોરને ટેકો આપી મધ્યપ્રદેશની ચૂંટણીમાં પોતાની શરતો મનાવવા દબાણ લાવી રહી છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મીજોરમ અને તેલંગણાની ચૂંટણી લોકસભા પહેલા જ હોવાથી ખુબજ મહત્વની બની રહે છે.

લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર સામે વિરોધ પક્ષો સંપૂર્ણ તાકાત લગાવી આગળ વધવાની તૈયારી કરી રહ્યાં છે. જેના ભાગ‚પે મહાગઠબંધનની રચના થવા જઈ રહી છે. જો કે, અગાઉની જેમ મહાગઠબંધન નિષ્ફળ જશે તેવું માનવામાં આવે છે. મહાગઠબંધનમાં અલગ અલગ વિચારધારા ધરાવતા અનેક પક્ષોનો મેળાવડો જામશે. ચૂંટણી પહેલા તો અનેક વિવાદ થઈ ચૂકયા છે. જો ચૂંટણી સમયે પણ મહાગઠબંધનમાં તિરાડો ઉપસશે તો ખુબજ મોટી મુશ્કેલી કોંગ્રેસ સહિતના પક્ષો માટે સર્જાશે તે વાત નકારી શકાતી નથી.

બસપાએ મધ્યપ્રદેશ સહિતની વિધાનસભા ચૂંટણીમાં પોતાની શરતો મનાવવા માટે કોંગ્રેસ ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. આવી રીતે અન્ય પક્ષો પણ કોંગ્રેસને દબાવવા પ્રયત્નો કરશે. પરિણામે મહાગઠબંધનમાં મસમોટી તિરાડ પડે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.