કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 31મીએ વડાપ્રધાન સવારે 11.35 મિનિટે લોકાર્પણ કરશે. સવારે 9 વાગ્યે વડાપ્રધાન કેવડિયા હેલિપેડ ખાતે આવશે અને કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ 12.15 કલાકે રવાના થઇ જશે. રાજ્ય સરકાર તરફથી અંદાજિત 5000 લોકોને લોકાર્પણ સમારંભ માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે.
રાજ્યના મુખ્ય સચિવ જે.અેન. સિંઘે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમારંભ કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મીએ સવારે 9 વાગ્યે કેવડિયા હેલિપેડ ખાતે આવી પહોંચશે. સવારે 9.10 મિનિટે તેઓ વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. 9.50 કલાકે તેમનું ટેન્ટ સિટી ખાતે આગમન થશે. ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ 10.15 કલાકે સભા સ્થળ પર પહોંચશે.
10.20 મિનિટે તેઓ વોલ ઓફ યુનિટી પર પહોંચશે. 11.35 વાગ્યે તેઓ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાનું લોકાર્પણ કરશે. 11.45 કલાકે તેઓ મ્યુઝિયમની મુલાકાત લેશે અને 12.15 કલાકે હેલિપેડ જવા રવાના થઇ જશે. લોકાર્પણ સમારંભ માટે સરકાર તરફથી 4,978 જેટલાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. જેમને ગોલ્ડ, સિલ્વર અને ઓરેન્જ કેટેગરીમાં વહેંચી નાંખવામાં આવ્યાં છે. વડાપ્રધાનના કાર્યક્રમની જાહેરાત બાદ હવે તૈયારીઓને ઝડપી બનાવી દેવામાં આવી છે.