Abtak Media Google News

૩ ડિસેમ્બર સુધી ચાલશે ફોર્મ ભરવાની પ્રક્રિયા: ૬ ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે

પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરે પ્રસિધ્ધ કર્યા એક ડઝનથી વધુ જાહેરનામા

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ આગામી સોમવારના રોજ ચૂંટણીપંચ જાહેરનામુ પ્રસિધ્ધ કરશે. જાહેરનામુ પ્રસિધ્ધ થયાથી લઈને ૩ ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. ૬ ડિસેમ્બર સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી શાખા દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગઈકાલે રાજકીય પક્ષો સાથે ચૂંટણીતંત્રની બેઠક યોજવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા કલેકટરે પેટા ચૂંટણી સંદર્ભે એક ડઝનથી પણ વધુ જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ભાજપમાં જોડાઈ જતા જસદણ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી ત્યારે આ બેઠક પરની પેટા ચૂંટણીની તાજેતરમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી તા.૨૬ને સોમવારના રોજ ચૂંટણીપંચ દ્વારા પેટા ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવનાર છે. જાહેરનામુ પ્રસિધ્ધ થતાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આ પ્રક્રિયા ત્રણ ડિસેમ્બર સુધી ચાલશે.

બાદમાં ૪ ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. ૬ ડિસેમ્બર સુધી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. ૨૦ ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારબાદ ૨૩ ડિસેમ્બરે મત ગણતરી યોજવામાં આવશે. આમ ૨૬ ડિસેમ્બર સુધીમાં સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવનાર છે.જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ રજૂ થયાની સાથે જ જિલ્લા ચૂંટણીતંત્ર કામે લાગી ગયું છે. ગઈકાલે ચૂંટણીતંત્રએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તાએ જસદણ પેટા ચૂંટણી સંદર્ભે એક ડઝનથી વધુ જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે. જેમાં મત વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ તથા ચારથી વધુ વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉમેદવાર ચાર વ્યક્તિ સાથે આવીને જ ઉમેદવારી નોંધાવી શકશે. લાયસન્સવાળા તમામ હથિયારો ૭ દિવસમાં જમા કરાવી દેવાના રહેશે. સરકારી મિલકતમાં સુત્રો લખવાની મનાઈ, ચૂંટણી પ્રક્રિયાને અસર કરે તેવા મેસેજ પર પ્રતિબંધ, સરકારી મિલકતના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે. સાથે ચૂંટણીને કામે રાજકીય પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાય તે વાહનની પરમીટ મેળવવાનું જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, જસદણ વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા ૨,૩૨,૧૧૫ છે. ગામની સંખ્યા ૧૦૫ છે તેમજ મતદાન મથકોની સંખ્યા ૨૫૬ છે, આ બેઠકના વિસ્તારમાં ૬ પુરક મતદાન મથકની દરખાસ્ત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીપંચને કરવામાં આવી છે. પેટા ચૂંટણીના ઈવીએમ અને વીવીપેટ મશીનનો ઉપયોગ થવાનો છે ત્યારે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સ્થાનિક લોકોમાં વીવીપેટ અંગે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો ઘડી કાડવામાં આવનાર છે.

પેટા ચૂંટણીની જાહેરાત થતાં વેંત જ જિલ્લા ચૂંટણીતંત્ર હરકતમાં આવી ગયું હતું. જસદણમાં આઠ ફલાઈગ સ્કવોર્ડ પણ તૈનાત કરી દેવામાં આવી હતી. આ ફલાઈગ સ્કવોર્ડ દ્વારા રાજકીય પક્ષોના બેનર, પોસ્ટર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જસદણ પેટા ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સ્ટાફને વિશેષ તાલીમ આપવાનું પણ આયોજન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં સ્ટાફને ઈવીએમ અને વીવીપેટ વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.