બ્રિજમાં બાકી રહેતી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા કોન્ટ્રાકટરને આદેશ આપતા પદાધિકારીઓ
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી અને રૈયા ચોકડી ખાતે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. રૈયા ચોકડી ખાતે નિર્માણાધીન ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ ફેબ્રુઆરી માસના અંત સુધીમાં કરી દેવામાં આવશે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે નિર્માણાધીન ઓવબ્રિજનું તાજેતરમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિના ચેરમેન મનિષભાઈ રાડીયા સહિતના ભાજપના કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.
હાલ રૈયા ચોકડી બ્રિજનું કામ દિવસ અને રાત્રી દરમિયાન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજનું લોકાર્પણ આગામી ૨૨ થી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે બ્રિજનું કામ પૂર્ણ થઈ જાય અને લોકો માટે ખુલ્લો મુકી દેવાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા સંબંધિત એજન્સી અને અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સુચના આપી દેવામાં આવી છે.