Abtak Media Google News

ભીડભંજન મહાદેવ મંદિરે પાઠ-ભજનના કાર્યક્રમમાં ૧૨ શખ્સોનો ભજનીક પર હુમલો

જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાછળના ભાગમાં ગઈકાલે રાત્રે પાઠ-ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાર જેટલા શખ્સોએ સોડા બોટલ સાથે ધસી જઈ પૈસાની ઉઘરાણીના મામલે બે વ્યક્તિઓની હત્યાનો પ્રયાસ કરતા એક ઈજાગ્રસ્તને રાજકોટ લઈ જવામાં આવ્યો છે. ભારે ચર્ચાસ્પદ બનેલા આ બનાવ અંગે મોડીરાત્રે પોલીસે રાયોટીંગ, હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ વિધિવત ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ટાઉનહોલથી લાલબંગલા વચ્ચેના રોડ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિરની પાછળના ગંગેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં ગઈરાત્રે પૂજારી લાલદાસ બાપુ તેમજ ભાવિક ગંભીરસિંહ સહિતના કેટલાક વ્યક્તિઓ દ્વારા રામદેવપીરના પાઠ-ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે દરમ્યાન સાડા દસેક વાગ્યે જ્યારે કાર્યક્રમ શરૃ થઈ રહ્યો હતો ત્યારે જ ત્યાં ધસી આવેલા અલુ પટેલ ઉર્ફે હારૃન આંબલિયા સહિતના બાર જેટલા શખ્સોએ પૈસાની ઉઘરાણીના મામલે બોલાચાલી શરૃ કરી ભારે હંગામો મચાવ્યો હતો.

આ શખ્સોએ મંદિરના પરિસરમાં આવી ત્યાં હાજર લાલદાસ અને ગંભીરસિંહ પર પોતાની સાથે લાવવામાં આવેલા સોડા-બોટલના કેટલાક કેરેટોમાંથી છૂટી બોટલોના ઘા શરૃ કરી બન્નેને ઘેરી લીધા હતા અને જીવલેણ માર માર્યો હતો જેના પગલે ભજનના કાર્યક્રમમાં હાજર ભાવિકોમાં નાસભાગ મચી ગઈ હતી અને અફવાનું બજાર ગરમ થઈ ગયું હતું.

ઉપરોકત બનાવની કોઈએ પોલીસને જાણ કરતા ૧૦૦ નંબરની ઈમરજન્સી પોલીસ વાન તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચવા માટે નીકળ્યો હતો તે પહેલા અલુ પટેલ તથા તેના સાગરિતો સ્થળ પરથી પોબારા ભણી ગયા હતા. પરંતુ આ ટોળાએ કરેલા જીવલેણ હુમલાના કારણે લાલદાસ તથા ગંભીરસિંહ વાઢેરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પહોંચેલા પોલીસ કાફલાએ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ કર્યા પછી ગુરૃદ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી.

પરંતુ ઈજાઓ વધુ પ્રમાણમાં હોય, એક ઈજાગ્રસ્તને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ પછી મોડીરાત સુધી બનાવના સ્થળે ત્યાં લોકોના ટોળા જામેલા રહ્યા હતા તે દરમ્યન દીપક ટોકિઝ વિસ્તારમાં પણ એક ટોળું એકઠું થયું હોવાની અફવાએ જોર પકડયું હતું. ગઈકાલે રવિવાર હોય રજાનો આનંદ માણવા માટે નીકળેલા રાહદારીઓ કુતૂહલવશ એકઠા થયા હતા. સ્થળ પર મંદિર પરિસરમાં લોહીના વધુ પ્રમાણમાં ડાઘા જોવા મળ્યા હતા. જ્યારે તે સ્થળે રહેલા સીસીટીવીના કેમેરાઓમાં ઉપરોક્ત સમગ્ર બનાવ કેદ થઈ જવા પામ્યો હોય. પોલીસને તેની વિગત આપવામાં આવી હતી અને પત્રકારોએ પણ તેફૂટેજ નીહાળ્યા હતા.

આ બનાવ અંગે મોડીરાત્રે સાડા ત્રણેક વાગ્યે જામનગરના વુલન મીલ વિસ્તારમાં રહેતા દેવેન્દ્રસિંહ ધીરૃભા જાડેજાએ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ કે.સી. વાઘેલાએ તેઓની ફરિયાદ પરથી અલુ પટેલ ઉર્ફે હારૃન આંબલિયા તથા અજાણ્યા બાર શખ્સો સામે આઈપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૪૩, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ બનાવે સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.