Abtak Media Google News
  • જુનાગઢનો ‘માલ’ શામળાજી ચેકપોસ્ટ પરથી ઝડપાયો!

દારૂબંદીવાળા ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાના વધુ એક પ્રયત્નને પોલીસે નિષ્ફળ બનાવી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. હરિયાણાથી 4176 બોટલ દારૂ મેડિકલ સામાનની આડમાં જૂનાગઢ લઇ જવામાં આવે તે પૂર્વે શામળાજી ચેકપોસ્ટ પરથી દારૂના જથ્થા સાથે ડ્રાયવરની ધરપકડ કરી લેવામાં આવી છે અને સપ્લાયર વિરુદ્ધ ગુન્હો નોંધી પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

ચૂંટણી સમયે લાલ પાણીની ડિમાન્ડ હોવાથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂ બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવે છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે મેડિકલ માલસામાનની આડમાં ટ્રકમાં સંતાડેલ 16.43 લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઇવરને દબોચી લીધો હતો. હરિયાણાના બૂટલેગરે ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને જૂનાગઢ ડિલેવરી આપે તે પહેલા શામળાજી પોલીસે દારૂની ખેપ નિષ્ફળ બનાવી હતી.

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી અંતર્ગત જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર ચેકપોસ્ટ ઉભી કરી નાના-મોટા વાહનોનું સઘન ચાકિંગ હાથધરવામાં આવ્યું છે. શામળાજી પીએસઆઈ સંજય દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોની તલાસી લેતા હરિયાણાથી રાજસ્થાન પાસીંગની ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા શામળાજી પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રકને નાકાબંધી કરી અટકાવી તલાસી લેતા ટ્રકમાં મેડિકલ માલસામાનના બોક્સ મળી આવ્યા હતા.

બાતમી સચોટ હોવાથી ઝીણવટ ભરી તપાસ કરતા બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 295 પેટીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-4176 કિં.રૂ.1643040/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક કુલદીપાસિંહ લીલાધર ચમાર (રહે,કાગદાના, સિરસા-હરિયાણા)ને દબોચી લઇ ટ્રક,મોબાઈલ, મેડિકલ માલસામાન બોક્સ મળી કુલ.રૂ.26.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર ઘિસારામ ઉર્ફે કરણાસિંહ જાટ (રહે,ફતેહાબાદ-હરિયાણા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

હરિયાણાના ઘિસારામ ઉર્ફે કરણાસિંહ જાટએ જથ્થો મોકલ્યાનો ખુલાસો : મંગાવનાર કોણ?

દારૂનો મોટો જથ્થો હરિયાણા સપ્લાયરે મોકલ્યાનું સામે આવ્યું છે. ઘીસારામ ઉર્ફે કરણાસિંહ જાટ રહે. ફતેહાબાદ, હરિયાણાવાળા શખ્સે દારૂનો જથ્થો મોકલ્યો હતો તેવો ખુલાસો થવા પામ્યો છે. જો કે, જૂનાગઢમાં આટલો મોટો જથ્થો કોને આપવાનો હતો તે અંગે હજુ કોઈ વિગત સામે આવી નથી. શરાબ મંગાવનાર શખ્સને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.